રાજ્યની સામાજિક સ્થિતિ અંગેનું સર્વેક્ષણ:દેશમાં રાજ્યની વસ્તીનું પ્રમાણ 5 ટકા પણ ગુનાખોરીનો રેટ 10 ટકા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટની સાથે સાથે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા રાજ્યની સામાજિક સ્થિતિ અંગેના સર્વેક્ષણનું ચોંકાવનારું તારણ
  • રાજ્યમાં 2020માં મહિલાઓ સામે 8 હજાર, બાળકો સામે 4 હજારથી વધુ ગુના નોંધાયા

ગુજરાત સરકારે ગુરુવારે વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કર્યું અને તેની સાથે રાજ્યની સામાજિક અને આર્થિક સ્થિતિ અંગેનું સર્વેક્ષણ રજૂ કર્યું છે. આ સર્વેક્ષણના અહેવાલમાં જણાવ્યા અનુસાર આખા દેશમાં જેટલાં ગુના પોલીસના ચોપડે નોંધાય છે, તેના દસમાં ભાગ જેટલાં ગુના ગુજરાતમાં નોંધાયા છે. વર્ષ 2020માં નોંધાયેલાં આંકડાને આધારે આ વિગતો રજૂ કરવામાં આવી છે અને તેમાં જણાવાયું છે કે વર્ષ 2020માં પોલીસ ચોપડે આખા ભારતમાં કુલ 42.54 લાખ ગુના નોંધાયા હતાં અને તેમાંથી 3.82 લાખ જેટલાં ગુના ગુજરાતમાં નોંધાયા હતા જેનું પ્રમાણ દેશના આંકડાની તુલનાએ 9 ટકા જેટલું થવા જાય છે.

આ જ સર્વેક્ષણમાં જણાવાયું છે કે આખા દેશની જેટલી વસ્તી છે તેમાંથી ગુજરાતમાં માત્ર 5 ટકા વસ્તી રહે છે જ્યારે આખાં દેશના ભૌગોલિક વિસ્તારમાંથી ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર માત્ર 6 ટકા છે. આમ વસ્તી અને ભૌગોલિક વિસ્તારની તુલના ગુજરાતમાં નોંધાતા ગુનાખોરીનું પ્રમાણ ચકાસીએ તો પણ લગભગ બમણું થવા જાય છે.

આ અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતમાં સ્ત્રીઓ વિરુદ્ધ 8 હજાર કરતાં વધુ જ્યારે બાળકો વિરુદ્ધ 4 હજાર કરતાં વધુ ગુના નોંધાયા હતાં. જે અનુક્રમે સમગ્ર દેશમાં નોંધાયેલાં ગુનામાં 2 ટકા અને 3 ટકા જેટલા વધારે છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં નોંધાયેલા 1.53 લાખ આપઘાતના કિસ્સાઓમાં પણ ગુજરાતનું પ્રમાણ 5.26 ટકા સાથે 8 હજાર કરતાં વધુ છે. આ સાથે ભારતભરમાં નોંધાતાં અકસ્માતે થતાં મોતના કિસ્સામાં પણ ગુજરાત 5.56 ટકા જેટલું પ્રમાણ ધરાવે છે.

દેશની બેઘર વસ્તીમાંથી પૈકી 8 ટકા ગુજરાતમાં, 3.46 લાખ કુટુંબ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે
આ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે 2011માં કરાયેલી વસ્તી ગણતરીના આંકડાના હિસાબ પ્રમાણે સમગ્ર દેશમાં સાડા ચાર લાખ જેટલાં કુટુંબો બેઘર છે જે પૈકી 37 હજાર કુટુંબો ગુજરાતના છે. ટકાવારી પ્રમાણે જોઇએ તો દેશમાં બેઘર નાગરિકોની કુલ વસ્તી પૈકી 8.14 ટકા વસ્તી ગુજરાતની છે. આ ઉપરાંત દેશમાં 1.39 કરોડ કુટુંબો ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે અને તે પૈકી 3.46 લાખ જેટલાં કુટુંબો ગુજરાતી પરિવારો છે. ગુજરાતના 103 નગરો એવાં છે કે જે ઝૂંપડપટ્ટી મુક્ત નથી.

અન્ય સમાચારો પણ છે...