ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા માટે પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે સરકારે સઘન આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં 49 હજારથી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે.આગામી વર્ષે વધુ 13 હજાર કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આજે ગાંધીનગર ખાતે પરામર્શ સમિતિની મળેલી બેઠકમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
વિદેશથી ગુજરાતીઓને પરત લવાયા
તેમણે કહ્યું કે, કોરોનાના કાળમાં લોકડાઉન દરમ્યાન કોરોનાના સંક્રમણને અટકાવવા સારૂ વિકિટ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મીઓએ લોકડાઉનના અમલીકરણનું જે કામ ઉપાડી લીધુ હતું તેના પરિણામે પોલીસની પરંપરાગત છબી અલગ રીતે ઉજાગર થઇ છે. લોકડાઉનના આ કાળ દરમ્યાન એન.આર.જી. વિભાગ દ્વારા પણ વિદેશમાં વસતા 55 હજારથી વધુ ગુજરાતીઓને વંદે ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારની મદદથી ગુજરાત પરત લાવવાની કામગીરી કરાઇ છે. એ જ રીતે આંતર રાજ્યના લાખો શ્રમિકોને પણ તેમના માદરે વતન મોકલવાની કામગીરી રાજ્ય સરકારે કરી છે.
કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. તેમાં 24 કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જોગવાઇ કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટીગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, FIR ડ્રાફ્ટીંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા FSLની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.