વિશ્વ ફોટોગ્રાફી દિવસ:રાજ્યના પાટનગર ગાંધીનગરે ભરેલી વિકાસની હરણફાળની એરિયલ વ્યૂ તસવીરો મંત્ર મુગ્ધ કરી દેશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાણીતા ફોટોગ્રાફર નદીમ શેખ દ્વારા દિવ્ય ભાસ્કરના વાચકો માટે તસવીરો વહેતી કરવામાં આવી

ગુજરાતના પાટનગર 'ગાંધીનગર'નો તાજેતરમાં જ 57મો જન્મદિવસ હતો. પાટનગરની સાથે લોકોમાં ગાંધીનગરની ઓળખ 'ગ્રીનસિટી' તરીકેની છે. તેવામાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી બાદ ગાંધીનગરની ઓળખ વૈશ્વિક સ્તરે અલગ રીતે ઉભી થઈ છે. એકસમયે સૂમસામ કહેવાતું આ નગર આજે વિકસિત નગરના રૂપમાં નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યારે ગાંધીનગરમાં એરિયલ ફોટોગ્રાફી માટે જાણીતા ફોટોગ્રાફર નદીમ શેખ દ્વારા દિવ્ય ભાસ્કરના વાચકો માટે ગાંધીનગરનાં એરિયલ વ્યૂની તસવીરો વહેતી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના સ્થાપનાના 5 વર્ષ બાદ એટલે કે 2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી. ગાંધીનગરમાં જ્યા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે તે GEB કોલોનીમાં તેની પ્રથમ ઈંટ મૂકાઈ હતી.

ગેસ્ટહાઉસના નિર્માણ માટે ત્યા પ્રથમ ઈંટ મૂકાઈ હતી. GEB કોલોની જે આજે GSECL કોલોનીના નામે ઓળખાય છે. ચાર વર્ષ બાદ 23 ડિસેમ્બર 1969ના દિવસે તે ગેસ્ટહાઉસનું નિર્માણ થયું અને ગાંધીનગરને નગર તરીકેની ઓળખ મળી. ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી હતા. શહેરની રચનાનું મુખ્ય આયોજન (ચીફ આર્કિટેક્ટ) એચ.કે.મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ આપ્ટેએ કર્યુ હતું.

ગાંધીનગર રાજ્યના અન્ય શહેરો કરતા તરી આવે છે. સાત આડા અને સાત ઉભા રસ્તા જેમ કે, ક,ખ,ગ,ઘ,ચ,છ અને જ તથા 30 સેકટરોમાં વહેંચાયેલું સુવ્યવસ્થિત નગર છે.

ગાંધીનગરને ચંડીગઢની પેટર્ન પર વિકસાવવામાં આવ્યું છે. ગુજરાતનું પાટનગર એક સમયે સરકારી બાબુઓની નગરી તરીકેનું ઓળખ ધરાવતું તે આજે અનેક ક્ષેત્રમાં ઓળખ ધરાવે છે. અક્ષરધામ, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા, સેકટર-28 બગીચો, સરિતા ઉધાન, સંત સરોવર, હરણોદ્યાન, અડાલજની વાવ ખાસ ફરવાલાયક સ્થળો છે.

ગાંધીનગરના જાણીતા ફોટોગ્રાફર નદીમ શેખ દ્વારા આજે વર્લ્ડ ફોટોગ્રાફિ દિન નિમિત્તે પાટનગર ગાંધીનગરએ ભરેલી હરણફાળની તસવીરો દિવ્ય ભાસ્કરના વાચકો માટે વહેતી કરવામાં આવી છે. જેને જોઈને તમે પણ મંત્ર મુગ્ધ થઈ જશો તે ચોક્કસ છે.

આ અંગે લેયર ફોટોગ્રાફનાં નિષ્ણાત નદીમ શેખે જણાવ્યું હતું કે, સમગ્ ફોટા ડ્રોન મારફત કેમેરામાં લેવામાં આવ્યા છે. જેનાં માટે DJI નો ફેન્ટમ - 4 કેમેરા નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની કિંમત દોઢ લાખ રૂપિયા છે. ગાંધીનગરમાં બે ત્રણ દિવસથી સ્મોકી વેધર હોવાના કારણે વિઝિબીલીટી ઘટી ગઈ છે. આ ફોટોગ્રાફી દરમિયાન ડ્રોન 900 ફુટ ની ઊંચાઈ પર ઉડાડવામાં આવ્યું હતું. તે વખતે બે બાઝ પક્ષીઓ ડ્રોન પર હૂમલો કરવા એકદમ નજીક આવી ગયા હતા જેના કારણે ડ્રોન ઉતારી લેવાની પણ નોબત આવી હતી. અત્યાર સુધી ગુજરાત પોલીસ, મોટેરા સ્ટેડિયમ તેમજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે પણ ડ્રોન મારફતે ફોટોગ્રાફી કરવામાં આવી છે.