પરીક્ષા લેવાશે...:ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનાં ફોર્મ જાન્યુઆરીમાં ભરાશે, પરીક્ષા મે મહિનામાં યોજાશે, અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સંજોગોમાં માર્ચમાં પરીક્ષા થાય છે, એ પહેલાં નવેમ્બર મહિનામાં ફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે

ગુજરાતમાં કોરોનાને કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરાવવામાં આવે એવી શક્યતા છે, સામાન્ય સંજોગોમાં નવેમ્બરમાં ફોર્મ ભરાવવામાં આવતાં હોય છે.

કોરોનાને કારણે બોર્ડની કામગીરીઓ પાછળ ઠેલવાઈ
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષા માટે ચાર માસ પહેલાં, એટલે કે નવેમ્બરમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. લગભગ દોઢ માસ જેટલા સમયગાળામાં બોર્ડની ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેની આગળની તૈયારી કરવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે બોર્ડની વિવિધ કામગીરીઓ પણ પાછળ લઈ જવી પડી છે.

અન્ય ધોરણોમાં માસ પ્રમોશન મળે એવી શક્યતાઓ
માર્ચ 2020માં કોરોનાના આગમન બાદ અત્યારસુધી બધી જ શાળાઓ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપી રહી છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેવા પામી તો અન્ય ધોરણોમાં તો માસ પ્રમોશન કે અન્ય કોઈપણ રીતે બાળકોને પાસ કરીને આગળના ધોરણમાં લઈ જવામાં આવી શકે છે, પરંતુ ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડે તેમ હોવાથી રાજ્યના શિક્ષણમંત્રીએ તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા કોરોનાને પગલે મે 2021માં યોજાશે એવી જાહેરાત કરી હતી.

ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ થશે
આ જાહેરાતને પગલે બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું આયોજન કરાયું છે. બોર્ડની પરીક્ષાના ચાર માસ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે અને ત્યાર બાદ બોર્ડ દ્વારા અન્ય કામગીરી પણ યોગ્ય રીતે કરી શકે. જાન્યુઆરીમાં કામગીરી શરૂ કરાય અને ફેબ્રુઆરી અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ બોર્ડને બે માસ જેટલો સમય તૈયારી માટેનો મળી રહેશે, જેથી મે માસમાં બોર્ડ યોગ્ય રીતે પરીક્ષા લઈ શકશે.