નાગણનો બદલો?:3 દિવસ પહેલાં નાગને મારી નાખતાં દહેગામના ગલાજીની મુવાડી ગામે નાગણે પહેલાં કાકીને, 4 કલાક પછી 7 વર્ષની ભત્રીજીને દંશ માર્યો, બંનેનાં મોત

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગલાજીની 4 કલાકના અંતરે ઘટેલી ઘટનામાં કાકી અને ભત્રીજી બંનેને નાગણે ડાબા પગની આંગળીમાં જ દંશ માર્યો હતો. - Divya Bhaskar
ગલાજીની 4 કલાકના અંતરે ઘટેલી ઘટનામાં કાકી અને ભત્રીજી બંનેને નાગણે ડાબા પગની આંગળીમાં જ દંશ માર્યો હતો.
  • 3 દિવસ પહેલાં કેટલાક લોકોએ નાગને મારી નાખતાં નાગણે બદલો લીધો હોવાની ગ્રામજનોમાં ચર્ચા

દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે વિચિત્ર ઘટના બની હતી, જેમાં નાગણે ડંખ મારતાં કાકી-ભત્રીજીનાં મોત થયાં હતાં. મૃતકના ઘરની આસપાસ ઘટનાના ત્રણ દિવસ પહેલાં એક નાગે ચઢી આવ્યો હતો, જેને પગલે કોઈએ તેને પકડીને મારી નાખ્યો હતો. ત્યારે કાકી-ભત્રીજીનાં નાગે ડંખ મારવાથી થયેલાં મોતને પગલે ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે ત્રણ દિવસ પહેલાં મરેલા નાગનો બદલો લેવા નાગણે 2 લોકોનો ભોગ લીધો હોવો જોઈએ. ત્યારે હાલ તો આ ઘટના માત્ર ગલાજીની મુવાડી નહીં, પરંતુ સમગ્ર દહેગામ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે 4 કલાકના અંતરે ઘટેલી ઘટનામાં કાકી અને ભત્રીજી બંનેને નાગે ડાબા પગની આંગળીમાં જ ડંખ માર્યો હતો.

તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયાં હતાં
મળેલી માહિતી પ્રમાણે, ઘટના 10 જૂન ગુરુવારના રોજની છે, જેમાં ગલાજીની મુવાડી ગામે રહેતાં 35 વર્ષીય સુરેખાબેન પ્રહલાદજી સોલંકી સવારે 6 વાગ્યાના સુમારે ઘરની બાજુમાં લાકડાં ભેગાં કરતાં હતાં. આ સમયે તેમને ડાબા પગની આંગળીએ નાગણે દંશ માર્યો હતો, જેને પગલે પરિવારના સભ્યો સહિતના લોકોએ તેમને તાત્કાલિક દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યો દવાખાના સહિતની દોડાદોડમાં હતા બીજી તરફ ગ્રામજનોએ નાગની શોધખોળ કરી હતી, પરંતુ એ ક્યાંય દેખાઈ ન હતી.

બે લોકોનાં મોતને પગલે માતમ છવાયો
મૃતક સુરેખાબેનના જેઠ રણજિતસિંહની 7 વર્ષની દીકરી અનુ ઘર પાસે રમી રહી હતી. આ સમયે ઘરની સીડી પાસે તૂટેલા ભાગમાં બેસી રહેલી નાગણે તેને પણ ડાબા પગની આંગળીએ દંશ માર્યો હતો. તેની તબિયત લથડતાં બાળકીને પણ દવાખાને લઈ જવાઈ હતી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. ત્રણ દિવસ પહેલાં મારી નખાયેલા નાગનો બદલો લેવા માટે નાગણ આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

6 મહિના પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવનારાં 3 સંતાને માતા પણ ગુમાવી
મૃતક સૂર્યબેન સોલંકીના પતિ પ્રહલાદજીનું છ મહિના પહેલાં કોઈ બીમારીને કારણે મોત થયું હતું. પતિના મોત બાદ છૂટક મજૂરી કરીને 12 વર્ષની દીકરી, 8 અને 5 વર્ષના બે દીકરાનું ગુજરાન ચલાવતા હતા. માતાના અચાનક મોતને પગલે ત્રણેય બાળકોએ છ મહિનાના ગાળામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે.