ગાંધીનગરના અડાલજ ગામની સીમ નર્મદા કેનાલ જોગણી માતાનાં બ્રિજથી ઝૂંડાલ તરફ જતા રોડ પાસેના ખાડામાંથી એક પુરુષ - એક સ્ત્રીનાં કંકાલ સળગાવેલી દીધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ બંને કંકાલની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિત 10 ટીમોને એક્ટિવ કરી દેવામાં આવી છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા દિવસ રાત દોડધામ શરૂ કર્યા ઉપરાંત એલસીબી દ્વારા છેલ્લાં એક મહિના દરમ્યાન રાજ્યમાં ગુમ થયેલાં મીસિંગ કપલની ડિટેઇલ મંગાવી સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર અડાલજ ગામની સીમમાં ગઈકાલે નર્મદા કેનાલ જોગણી માતાનાં બ્રિજથી ઝૂંડાલ તરફ જતા અવાવરુ રોડ પાસેના ખાડામાંથી એક સ્ત્રી અને એક પુરુષનું કંકાલ સળગાવી દીધેલી હાલતમાં પોલીસને મળી આવ્યું હતું. અત્યંત વિકૃત હાલતમાં કપલનું માનવ કંકાલ સળગાવી દીધેલી હાલતમાં મળી આવતાં પોલીસે આસપાસના વિસ્તારોમાં ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી દેવાઈ છે.
આશરે સાતેક દિવસ અગાઉ બંનેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી પુરાવાનો નાશ કરવા સળગાવી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં એકદમ અવાવરુ હોવાથી જાનવરોએ બંને લાશોને ફાડી ખાવામાં આવતાં શરીરના અમુક અવયવો પણ છૂટા પડી ગયા હતા. આશરે 25 થી 40 વર્ષીય સ્ત્રી પુરુષના વિકૃત કંકાલનાં કારણે અસહ્ય દુર્ગંધથી ખદબદતા હતા. જેનાં પગલે પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી લઈને બંને કંકાલનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોકટરોની ટીમ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવતાં તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કર્યા પછી પુરાવાનો નાશ કરવા માટે બન્ને લાશોને સળગાવી દેવામાં આવી હોવાની હકીકત પ્રકાશમાં આવતા અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જોકે, હજી સુધી બિનવારસી કંકાલ કોના છે એ જાણવા મળ્યું નથી. બીજી તરફ આ બંને કંકાલની ઓળખવિધી કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચ - 1 અને 2, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, અડાલજ પોલીસ મળીને 10 ટીમોને એક્ટિવ કરી દેવાઈ છે. આ ટીમો દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછતાંછ શરૂ કરાઈ છે. ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા છેલ્લા એક મહિના દરમ્યાન રાજયમાં ગુમ થયેલા કપલની વિગતો પણ મેળવવામાં આવી રહી છે.
આ સિવાય ગાંધીનગર રેન્જ વિસ્તારનાં પોલીસ મથકોમાં પણ જાણ કરી દેવામાં આવી છે. તેમજ છેલ્લાં 10 - 15 દિવસના સીસીટીવી ફૂટેજનો ડેટા મંગાવી સ્ક્રુટિની પણ શરૂ કરી કરવામાં આવી છે. જ્યારે સીઆઈડી ક્રાઇમની પણ મદદ પણ લેવામાં આવી રહી છે. આમ આ ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ગાંધીનગર પોલીસ દ્વારા હાલમાં તો રાત દિવસ આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.