બ્રિજ બન્યો બિભત્સ ચેનચાળા માટેનું સ્પોટ:ગાંધીનગરના પીડીપીયુ પાસેનો સિગ્નેચર બ્રિજ રાત પડતાં જ યુગલોના પ્રેમાલાપ માટે હોટ ફેવરિટ બન્યો, આસપાસના ગ્રામજનો ત્રાહિમામ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • બિભત્સ ચેનચાળાના લીધે અહીંથી સ્થાનિક ગ્રામજનોને શરમનાં માર્યા નીકળવું મુશ્કેલ બન્યું
  • પ્રેમી પંખીડાઓ આવીને સિગારેટ-ગાંજો તેમજ કેફી પીણું પિતા હોવાની વાત રોજની બની
  • બ્રિજ ઉપર યુવક-યુવતીઓના ચેનચાળા સામે ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ - સ્થાનિક

ગાંધીનગરના પીડીપીયુથી ગિફ્ટ સિટી તરફ જતાં વલાદ ગામને અડીને સાબરમતી નદી પર બાંધવામાં આવેલે સિગ્નેચર બ્રિજ પ્રેમી પંખીડાઓના પ્રેમાલાપ માટે આશીર્વાદ સમાન બની ગયો છે. અહીં ઢળતી રાત્રીથી જ પ્રેમી યુગલો આવીને બિભત્સ ચેનચાળા કરતાં હોવાથી અહીંથી સ્થાનિક ગ્રામજનોને શરમનાં માર્યા નીકળવું મુશ્કેલ બની ગયું છે.

રાજ્યનું પાટનગર ગાંધીનગર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એમાંય ન્યુ ગાંધીનગર તરીકે સરગાસણ, કુડાસણ, રાયસણ, કોબા તરફના વિસ્તારનો રોકેટ ગતિએ વિકાસ થવા લાગ્યો છે. ત્યારે છેલ્લા ઘણા મહિનાઓથી પીડીપીયુથી ગિફ્ટ સિટી તરફ જતાં વલાદ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલો અંદાજીત 650 મીટર લાંબો સિગ્નેચર બ્રિજ પ્રેમી પંખીડા માટે આશીર્વાદ સમાન બની ગયો છે.

ભુતકાળમાં સરિતા ઉદ્યાન તેમજ સેક્ટર-28નો બગીચો પ્રેમી પંખીડા માટે હોટ ફેવરિટ હતો. પરંતુ આ બંન્ને ઉદ્યાનનો વિકાસ કરીને તેમને સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવતાં પ્રેમી યુગલો માટે હવે પીડીપીયુ પાસે સાબરમતી નદીનો સિગ્નેચર બ્રિજ હોટ ફેવરિટ બની ચૂક્યો છે. અહીં રાત પડવાની શરૂઆત થતાં જ વૈભવી ગાડીઓ લઈને પ્રેમી પંખીડા લાઈનસર અડીંગો જમાવીને બિભત્સ ચેનચાળા કરવામાં મશગુલ બની જતાં હોય છે. જેનાં કારણે સ્થાનિક ગ્રામજનો પણ હવે તોબા પોકારી ઉઠ્યા છે.

આ અંગે આસપાસના ગ્રામજનોનું કહેવું છે કે, સિગ્નેચર બ્રિજના બંન્ને છેડે અલગ અલગ એટલે કે ઈન્ફોસિટી અને ડભોડા પોલીસ મથકની હદ લાગે છે. રાત પડતાં જ અહીં બ્રિજ પર પ્રેમી પંખીડાઓ આવીને સિગારેટ-ગાંજો તેમજ કેફી પીણું પિતા હોવાની વાત રોજની બની ગઈ છે. રાત્રિનો અંધકાર જેમ જેમ વધતો જાય છે એમ એમ પ્રેમી યુગલોના બિભત્સ ચેનચાળા વધતા જાય છે.

ઘણીવાર વૈભવી ગાડીઓ લઈને આવતા નબીરાઓ એટલા મશગુલ હોય છે કે ગ્રામજનોને શરમના માર્યા માથું નીચે કરીને પસાર થવું થવું પડે છે. ત્યારે સિગ્નેચર બ્રિજ પર શરૂ થયેલી પ્રેમલીલાઓ સામે સમયસર કાર્યવાહી કરવામાં આવે તેવી આસપાસના ગ્રામજનોની માંગ છે. પ્રેમી યુગલોના કારણે હવે ટપોરીઓના પણ બ્રિજ પર આંટા ફેરા વધી ગયા છે અને નાની મોટી તકરાર પણ વધી રહી છે.

આ અંગે વલાદ ગામના સરપંચ પંકજભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, સિગ્નેચર બ્રિજ ઉપર યુવક યુવતીઓના બિભત્સ ચેનચાળા સામે ચોક્કસથી સમયસર કાર્યવાહી થવી જોઈએ. બ્રિજ ઉપર ઘણા સ્થાનિક લોકો રાત પડે ફરવા નીકળતા હોય છે અને પ્રેમી પંખીડાના ચેનચાળાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. ભવિષ્યમાં કોઈ મોટી ઘટના બને એ પહેલાં આવી પ્રવૃતિઓ પર રોક લગાવી દેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...