કાર્યવાહી:જિલ્લાના 280 પ્રાથમિક શિક્ષકના પગાર બાંધણી માટે આજે સેવાપોથી સ્વીકારાશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડની ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે આયોજન કર્યું
  • દહેગામ અને ગાંધીનગર તાલુકાની 90-90, કલોલ તાલુકાની 50, માણસા તાલુકાની 40 અને મનપાની શાળાના 10 શિક્ષકોને લાભ

કોરોનાની મહામારીમાં કોવિડની ગાઇડ લાઇનનું પાલન થાય અને શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચત્તર પગારધોરણની બાંધણીની કામગીરી થઇ શકે તે માટે હિસાબી અને તિજોરી કચેરી દ્વારા આયોજન કરાયું છે. જેમાં ગાંધીનગર જિલ્લાના 280 પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીઓ પગાર બાંધણી માટે તારીખ 3જી, જાન્યુઆરી-2021ના રોજ રજુ કરવાની રહેશે. કોરોનાનું સંક્રમણ હાલમાં વધી રહ્યું છે. ત્યારે કોરોનાની મહામારીમાં પણ કચેરીની કામગીરી કોવિડના નિયમોના પાલન સાથે થાય તે જરૂરી છે.

જેને પગલે હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા ઉચ્ચત્તર પગાર ધોરણ બાંધણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના તમામ જિલ્લાઓ માટે તારીખ અને કેટલી સેવાપોથીઓ લાવવી તે નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ રાજ્યભરના તમામ જિલ્લાઓને આદેશ મોકલી આપવામાં આવ્યો છે. શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણના કેસ વય નિવૃત્તિની સમય મર્યાદા દુર કરીને એક જ દિવસમાં દસ સેવાપોથીઓ સવારે 11થી બપોર 2 કલાક સુધી પગાર બાંધણી માટે રૂબરૂ કચેરી ખાતે રજુ કરવાની રહેશે. જાન્યુઆરી-2022 માટે ગાંધીનગર જિલ્લાની કુલ 280 સેવાપોથીઓ કચેરીમાં રૂબરૂ રજુ કરવાની રહેશે.

તેમાં જિલ્લાના ચારેય તાલુકામાં દહેગામ અને ગાંધીનગર તાલુકાની 90-90, કલોલ તાલુકાની 50, માણસા તાલુકાની 40 અને મનપા વિસ્તારની શાળાના 10 શિક્ષકોની સેવાપોથીઓ પગાર બાંધણી માટે આવતીકાલ તારીખ 3જી, જાન્યુઆરીના રોજ રૂબરૂ મોકલવાની રહેશે તેવો હિસાબ અને તિજોરી નિયામકની કચેરીના આદેશમાં ઉલ્લેખ કરાયો છે. હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતી વકરી રહી છે તેને ધ્યાનમાં લઈને હવે શિક્ષકો માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...