પાટનગરના મેયરનો તાજ કોના શીરે?:ભાજપમાંથી ચુંટાયેલા બીજા અને શહેરના પાંચમાં મૅયર આજે વરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી બોડીની આજે મળનારી પ્રથમ સામાન્ય સભામાં હોદ્દેદારોના રહસ્ય પરથી પડદો ઊંચકાશે
  • ​​​​​​​2 પુરુ ષ રેસમાં, 3 મહિલામાંથી પસંદગી થાય તેવી શક્યતા

ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે આજે જાહેર થનારા મેયર ભાજપના બીજા અને શહેરના પાંચમા મેયર હશે.

કોર્પોરેશનની મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરતભાઈ શંકરભાઇ દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પુનમભાઈ મકવાણા રેસમાં છે. બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરૂષને તક અપાય તેવી શક્યતાઓ જોતા આ બે નામમાંથી મેયર જાહેર થાય તેવું કહેવાય છે.

બીજી તરફ લોકોના વિચાર કરતાં અલગ આશ્ચર્ય જનક નિર્ણય લેવા માટે જાણીતું ભાજપ કોઈ મહિલાને પણ મેયર બનાવી દે તો નવાય નહીં. એ રીતે વોર્ડ-1ના મીનાબેન સોમાભાઇ મકવાણા, વોર્ડ નં-5ના કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા તથા વોર્ડ નં-11ના સેજલબેન કનુભાઈ પરમારના નામો પણ મેયર પદ માટે ચર્ચાઈ ચૂક્યા છે. આમ કોર્પોરેશનની મેયર પદ માટે 2 પુરુષ અને 3 મહિલાઓ રેસમાં છે. જોકે આજે સવારે 11 વાગ્યે મળનારી સામાન્ય સભામાં છેલ્લા 15 દિવસથી ચાલતી કે ‘મેયર પદનો તાજ કોને શીરે’ તેવી ચર્ચાઓનો અંત આવશે.

છેલ્લી ઘડીએ મળેલી પાર્લામેન્ટરી બેઠકમાં મેયરના નામ મુદ્દે ચર્ચા
મનપામાં મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગેની ચર્ચા બુધવારે મોડી સાંજે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંને બહાર હોવાને પગલે બુધવાર સવાર સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું કોઈ આયોજન થયું ન હતું. જોકે બપોર બાદ શોર્ટ નોટિસમાં મોડી સાંજે બેઠક બોલાવી દેવાઈ હતી. જેમાં મનપાના પદાધિકારીઓની નામની ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં થયેલા જૂથવાદના અનુભવોને જોતા આ વખતે ખભે-ખભા મિલાવીને કામ કરે તેવા પદાધિકારીઓ પર ભાર મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પાટીદાર અને ક્ષત્રીય સમાજના ફાળે સ્ટેન્ડિંગ ચેરમેન-ડેપ્યુટી મેયર પદ જશે
કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને ડેેપ્યુટી મેયર પદ માટે પણ શરૂઆતથી અલગ-અલગ નામોની ચર્ચાઓ ચાલી છે. ત્યારે મળેલી માહિતી મુજબ બંને પદ પાટીદાર અને ક્ષત્રિય સમાજને ફાળે જશે. જે માટે વોર્ડ નં-11ના જસવંત પટેલ, વોર્ડ નં-10ના મહેન્દ્ર પટેલ, વોર્ડ નં-8ના રાજેશ પટેલ, વોર્ડ નં-2માં અનિલસિંહ વાઘેલા, વોર્ડ નં-4ના જસપાલસિંહ બિહોલા, વોર્ડ નં-7ના પ્રેમલસિંહ ગોલના નામોની ચર્ચાઓ અત્યાર સુધી રહી હતી. ત્યારે આજે હવે આ નામોમાંથી જ કોઈ નામ જાહેર થાય છે કે નવા જ નામો ખૂલે છે તે જોવાનું રહે છે.

રીટાબેન પટેલ ભાજપના પ્રથમ મેયર બન્યાં હતાં
2011માં મનપાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના 18 અને ભાજપના 15 ઉમેદવારો વિજેતા થયા હતા. જોકે ગાંધીનગરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઓક્ટોબર-2012માં પેનલના બે સભ્યો સાથે પક્ષપલટો કરી સત્તા ભાજપના ખોળામાં આપી દીધી હતી. જે બાદ ગાંધીનગરના બીજા અને મહિલા તરીકે પ્રથમ મેયર હંસાબેન મોદી બન્યા હતા.

2016ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંનેને 16-16 બેઠકો મળી હતી. જોકે કોંગ્રેસના પ્રવિણ પટેલ પક્ષ પલટો કરીને મેયર બની ગયા હતા અને ફરી સત્તા ભાજપના ખોળામાં જતી રહી હતી. જે બાદ ઓક્ટોબર-2018માં મહિલા તરીકે બીજા અને ભાજપ કુળના એટલે ભાજપમાં ચૂંટાઈને આવેલા પ્રથમ મેયર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...