સરકારી કીટનો દુરુપયોગ:કલોલ નગરપાલિકા સામે જ સરકારી પ્રાથમિક શાળાની કીટ મારફતે આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યું

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર સહિતના અધિકારીઓએ ખાનગી સેન્ટરમાં ઓચિંતી તપાસ કરતાં સરકારી કીટ પકડાઈ

ગાંધીનગરના કલોલ નગર પાલિકા સામે જ ખાનગી સેન્ટર દ્વારા સરકારી કીટ થકી રૂપિયા લઈને આધાર કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ મામલતદાર સહિતના અધિકારીઓની રેડ બહાર આવ્યું છે. આ મામલે કલોલ મામલતદાર દ્વારા ગવર્મેન્ટ એપ્રુવ આધાર કાર્ડની કીટ સહિતના દસ્તાવેજો જપ્ત કરી જિલ્લા કલેકટરને રિપૉર્ટ પણ કરી દેવામાં આવ્યો છે.

કલોલ નગરપાલિકા સામે આવેલા એર ઓ નોવા ડિજિટલ સેન્ટરમાં સરકારી કીટ વડે રૂપિયા લઈને આધાર કાર્ડ કાઢી આપવામાં આવતું હોવાની જાણ થતાં કલોલ સીટી મામલતદાર સહિતના અધિકારીઓએ ઓચિંતી રેડ કરવામાં આવી હતી.જેમાં એક ઈસમ દ્વારા આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેની પાસેથી ગવર્મેન્ટ એપ્રુવ આધાર કાર્ડ કાઢવાની કીટ મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ મામલે જાણ કરવામાં આવતાં કલોલ સીટી પીઆઈ ઉન્નતિબેન પટેલ પણ સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા.

આ અંગે કલોલ સીટી મામલતદાર દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે, આધાર કાર્ડ કાઢવા માટે ગવર્મેન્ટ એપ્રુવ કીટ કલોલની વિવિધ સરકારી સ્કૂલોમાં લઈ જવાતી હોય છે જેનો એક ઓપરેટર પણ હોય છે. આજે શેરીસા પ્રાથમિક શાળામાં આધાર કાર્ડની કામગીરી કરવાની હતી. જે કીટ ઉક્ત સ્થળેથી મળી આવી છે. અને ઓપરેટર પણ સ્થળ પર આવી ગયો હતો.

હાલમાં આધાર કાર્ડની કીટ સહીતના દસ્તાવેજો જપ્ત કરીને પંચનામું કરીને જિલ્લા કલેકટરને રિપૉર્ટ પણ કરી દેવામાં આવ્યો છે. હવે જિલ્લા કલેકટર રિપૉર્ટના આધારે જે આદેશ કરે એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે કલોલ પીઆઈ ઉન્નતિબેન પટેલે કહ્યું હતું કે, સરકારી કીટ મામલે મામલતદાર કચેરી તરફથી ફરિયાદ કરવામાં આવશે તો ગુનો પણ દાખલ કરીશું.

અન્ય સમાચારો પણ છે...