શિહોલીમોટીમાં રહેતી પરણિતાના પતિનો દોઢ લાખ રુપિયા પગાર હોવા છતા પતિ તેની પત્ની પાસે પગાર માંગી લેતો હતો અને ફરવા જાય તો પણ પત્ની પાસે ખર્ચ કરાવતો હતો. તે ઉપરાંત લગ્નમાં દહેજ ઓછુ આપ્યુ હોવાનુ કહીને વારંવાર માંગણી કરવામાં આવતી હતી. પત્ની ફાર્માસિસ્ટ હોવાથી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. તે સમયે કોરોનામાં ઘરમાં આવવા દેવામાં આવતી ન હતી. જ્યારે ચારિત્ર્ય બાબતે પણ શંકા કરવામાં આવતી હતી. પગાર નહિ આપતા ઘરમાંથી કાઢી મુકવામાં આવતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મૂળ દેહરાદુનનો પરિવાર હાલમાં ગાંધીનગર તાલુકાના શિહોલીમોટી ગામમાં આવેલી એક સોસાયટીમાં રહે છે. ત્યારે યુવતીના લગ્ન બે વર્ષ પહેલા ચાંદખેડામાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નમાં પિયરપક્ષ દ્વારા દાગીના, ફર્નિચર અને કપડા સહિતનો સામાન આપવામાં આવ્યો હતો. લગ્નના બે મહિના સુધી લગ્નજીવન સારુ ચાલ્યુ હતુ. પરંતુ ત્યારબાદ સાસુ, સસરા દ્વારા પિયરમાંથી દહેજમાં ફ્લેટ અને કાર માંગવામાં આવી હતી અને દહેજ ઓછુ લાવી હોવાના મ્હેણા મારવાના શરુ કર્યા હતા.
પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, જેમાં તેને દોઢ લાખ રુપિયા પગાર હતો, છતા પત્ની પાસે ખર્ચ કરાવતો હતો. જ્યારે પત્ની બિમાર પડતી તો પણ સારવાર કરાવતા ન હતા. સાસુએ પિયરમાંથી આપવામાં આવેલા દાગીના લઇ લીધા હતા અને ઘરમાંથી નિકળી જવાનુ કહેતા હતા.
નણંદના છુટાછેડા થયા હોવાથી પિયરમાં રહેતી હોવાથી તે પણ તેની ભાભીને હેરાન કરતી હતી. પતિ સાસુ અને નણંદનો પક્ષ લઇને મારઝુડ કરતો હતો. જ્યારે પત્ની ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી હોવાથી તેનો પગાર માંગી લેવામાં આવતો હતો અને ના આપવો હોય તો નોકરી છોડી દેવાનુ કહેતા હતા. કોરોનામાં નોકરીથી ઘરે આવતા તેને ઘરમાં ઘુસવા દેવામાં નહિ આવતા ત્રણ મહિના પિયરમાં રહી હતી. વારંવારની બબાલ થતા પતિ પત્નીને તેનો હક આપતો ન હતો. જ્યારે પતિને પૂછતા બબાલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.