ગ્રામજનોમાં રોષ:વડોદરા લાટ પ્રાથમિક શાળાના ઓરડા ઉતાર્યાને વર્ષ થવા છતાં નવા બન્યા નહીં

ગાંધીનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ઓરડા બને તો બાળકોનું શિક્ષણ શરૂ થાય તેમ છે

વડોદરા લાટ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા જુલાઈ, 2021માં ઉતારી દેવામાં આવ્યા હતા. જેને 1 વર્ષ જેટલો સમય થવા છતાં હજુ પ્રાથમિક શાળાના નવા ઓરડા બનાવવામાં ન આવતાં વાલીઓ અને ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે. પ્રાથમિક શાળાઓના જર્જરિત ઓરડાના કારણે ગમે ત્યારે દુર્ઘટના બને તો જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. આથી શિક્ષણ વિભાગે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આવી જર્જરિત પ્રાથમિક શાળાઓના ઓરડાઓને તોડી પાડીને નવા ઓરડા બનાવવાની યોજના શરૂ કરી છે.

જે અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના વડોદરા લાટ ગામની પ્રાથમિક શાળાના બે ધાબાવાળા અને એક સિનેક્ષના રૂમ જર્જરીત હોવાથી તોડી પાડવાનો આદેશ ગત જુલાઇ-2021માં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો હતો. આથી શાળાના ધાબાવાળા બે રૂમો અને એક સિનટેક્ષવાળો રૂમ તોડી પાડવામાં આવ્યા હતા.

પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડા તોડી પાડતા ધોરણ-1થી 8નાી 120 જેટલા બાળકોને હાલમાં ભલાવતપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે ગામની પ્રાથમિક શાળાના ઓરડા તોડી પાડ્યાને એક વર્ષ જેટલો સમય થવા છતાં નવા ઓરડા બનાવવામાં નહી આવતા ગ્રામજનો અને વાલીઓમાં રોષ ઉઠવા પામ્યો છે.

વડોદરા લાટ પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડા તોડી પાડવામાં આવ્યા હોવાથી તેને બદલે તાકિદે નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગણી વાલીઓ અને ગ્રામજનોમાં ઉઠી છે. ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બની જતાં અને સાવ ખખડધજ હાલતમાં આવી જતાં જર્જરિત ઓરડા ઉતારી લેવામાં આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતાં આશરે 120 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ભલાવતપુરા શાળામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ એક વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં નવા ઓરડા બનાવવામાં ઠાગાઠૈૈયા કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ઓરડા બનાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અન્યત્ર શાળામાં અભ્યાસ કરવા જવું ન પડે તેમ ગામલોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...