વાહન ચાલકોને હાલાકી:મહુડી આશ્રમ ચોકડીથી મહુડી સુધીનો માર્ગ 8 માસમાં ભંગાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 કિલોમીટરનો માર્ગ ઉબડ ખાબડ બનતા વાહન ચાલકોને હાલાકી

મહુડી આશ્રમ ચોકડીથી મહુડી સુધીનો પાંચ કિલોમીટરનો માર્ગ આઠ માસ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રસ્તાની નબળી કામગીરીને પગલે હાલમાં માર્ગ મગરની પીઠ સમાન બની ગયો છે. રોડના ભષ્ટ્રાચારના કાંગરા ઉખડી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે.લોકોના ટેક્ષના રૂપિયામાંથી ડામરના રોડ બનાવવામાં આવે છે. પરંતુ છેલ્લા દસેક વર્ષથી નવા બનાવેલા રોડ દર ચોમાસામાં ધોવાઇ જ જાય છે. આથી ચોમાસાની ઋતુ રોડ માટે પાનખર હોય તેમ ડામર અને કપચી છુટા પડીને ખાડાને સ્થાન આપે છે.

આવી જ સ્થિતિ જિલ્લાના માણસા તાલુકાના મગોડી આશ્રમથી મગોડી સુધીના પાંચ કિલોમીટર માર્ગની બની રહી છે. આશ્રમ ચોકડીથી મહુડી સુધીના માર્ગને આઠ માસ પહેલાં જ પેવરકામ કરીને બનાવવામાં આવ્યો હતો. જોકે આઠ માસ અગાઉ રોડ બનતા માર્ગ ઉપરના ગામોને તેમજ દર રવિવારે મહુડી મંદિરે આવતા હજારો ભક્તોને રાહત થઇ હતી.

જોકે લોકોની રાહત માત્ર આઠ માસમાં દુ:ખદ બનાવ બનીને સામે આવી રહી હોય તેમ આશ્રમ ચોકડીથી મહુડી સુધીના પાંચ કિલોમીટરના માર્ગની હાલત હાલમાં ખેડર જેવી બની ગઇ છે.માર્ગ ઉપર ખાડા એટલા બધા પડી ગયા છે. વાહન ચાલકોને પાંચ કિલોમીટરનું અંતર કાપતા અડધો કલાક જેટલો સમય થતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ત્યારે આઠ માસમાં તુટી જતા રોડના કોન્ટ્રાક્ટરની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. ઉપરાંત રોડ બનાવવામાં થતાં ભષ્ટ્રાચારને નાબુદ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...