કાર્યક્રમ:પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થનારા સંશોધન કૃષિ વિકાસનો નવો માર્ગ બતાવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજભવન ખાતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના પીએચ.ડી. અભ્યાસક્રમમાં 6 વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર આપતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા છ વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર એનાયત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થનારા સંશોધનો સમગ્ર વિશ્વને કૃષિ વિકાસનો નવો માર્ગ બતાવશે. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના પીએચ.ડી. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

રાજભવન ખાતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલા Natural farming – A Step Towards Climate Resilience and Sustainability કાર્યક્રમમાં રાજ્યપાલે ગુજરાતના બે વિદ્યાર્થી ઉપરાંત યુથોપિયાના બે, સુદાનના અને મ્યાનમારના એક-એક વિદ્યાર્થીને પ્રાકૃતિક કૃષિના પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના પ્રવેશપત્રો આપ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં ગુજરાત ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના અવસરને ઐતિહાસિક અવસર ગણાવ્યો હતો. રાજ્યપાલે ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિને સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, કૃષિ ખર્ચ ઘટતો નથી.

ખેડૂતોની મહેનત પણ ઘટતી નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને ઇશ્વરીય વ્યવસ્થામાં સહયોગી બનવા સાથેની કૃષિ પદ્ધતિ ગણાવી સંશોધનો દ્વારા પ્રાકૃતિક કૃષિનાં વિજ્ઞાનને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...