• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Prospect Of Hardik Patel As The President Of The Pradesh Congress, Mewani Could Also Get A Big Responsibility; Both The Leaders Were Summoned To Delhi By The High Command

કોણ બનશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ?:પ્રમુખ પદે હાર્દિક પટેલની સંભાવના, મેવાણીને પણ મોટી જવાબદારી મળી શકે; બંને નેતાને હાઇ કમાન્ડે દિલ્હી બોલાવ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
ડાબે હાર્દિક પટેલ અને જમણે જિગ્નેશ મેવાણી - ફાઇલ તસવીર
  • હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જિગ્નેશ મેવાણીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાઇ શકે

હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઇ શકે છે. ગુજરાત વિધાનસભાની આવતાં વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને તેમને આ મોટી જવાબદારી મળી શકે છે. હાર્દિક ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે વૈચારિક રીતે જોડાયેલા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ કોંગ્રેસ કોઇ મોટું પદ આપી શકે તેમ છે.

હાર્દિક અને જિગ્નેશને હાઇકમાન્ડે દિલ્હી બોલાવ્યા
હાર્દિક અને જિગ્નેશને કોંગ્રેસ હાઇકમાન્ડે શનિવારે જ દિલ્હી બોલાવી લીધા હતા. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં પક્ષના તમામ રાષ્ટ્રીય સ્તરે વરિષ્ઠ નેતાઓ હાજર રહીને પક્ષની બાબતે ચર્ચા કરતાં હોય છે. આ બેઠકમાં જ આ નિર્ણય લેવાયો હોય અને હવે આ અંગેની સત્તાવાર જાહેરાત થઇ શકે છે, તેવું પક્ષના સૂ્ત્રોએ જણાવ્યું હતું. જિગ્નેશને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાઇ શકે તેવું પાર્ટીના સૂત્રો જણાવે છે.

કોંગ્રેસના કેટલાંક સિનિયર નેતાઓ માને છે કે ભરતસિંહ સોલંકીને જ કોંગ્રેસ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હોય અને હાર્દિક તથા જિગ્નેશને આ નિર્ણયની જાણ કરવા માટે બોલાવાયા હોય તેવી શક્યતા છે.

હાર્દિક પટેલની ફાઈલ તસવીર
હાર્દિક પટેલની ફાઈલ તસવીર

હાર્દિકને પ્રદેશ પ્રમુખ બનાવવાથી કોંગ્રેસને શો ફાયદો?
ભાજપે હાલમાં જ આખી સરકાર બદલીને ભૂપેન્દ્ર પટેલની સરકાર બનાવી છે. એવામાં કોંગ્રેસમાં પણ પટેલ પ્રદેશ પ્રમુખ હશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના અમુક મતો કોંગ્રેસને મળી શકે છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના પદ માટે સિનિયર નેતાઓની જ પસંદગી કરવાની બાકી છે. એવામાં યુવા પ્રદેશ પ્રમુખની પસંદગીથી કાર્યકર્તાઓમાં પણ નવો જોશ આવશે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે.

2022ની ચૂંટણીમાં પ્રશાંત કિશોરને સોંપાઈ શકે છે મોટી જવાબદારી
નોંધનીય છે કે ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કોંગ્રેસપક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સરવે પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તો કોંગ્રેસનો ગુજરાતમાં 25 વર્ષના વનવાસ પૂરો કરાવી શકશે કે નહીં એ સૌથી મોટો પડકાર રહેશે.