તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું કાઉન્ટ ડાઉન:સ્વરાજની ચૂંટણીમાં આજે દાવેદારી નોંધવાની કામગીરીની શરૂઆત

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા ખાનગી બેઠકો શરૂ થઈ
 • કાર્યકરોમાં ટિકિટનો દાવો કર્યા બાદ મેન્ડેટ લેવા માટે દોડધામ

સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. રાજકીય પક્ષોના કાર્યકરોએ ટિકીટ માટે દાવેદારી કરી દીધી છે. ઉપરાંત જ્યારે હવે ફોર્મ ભરવાનું શરૂ થયું છે. ત્યારે મેન્ડેટ લેવા માટે રાજકીય લોબીંગ શરૂ થયું છે. ટિકીટ મેળવવા માટે રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા ખાનગી બેઠકો શરૂ થઇ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મનું વિતરણ અને ભરવાની કામગીરી સોમવારથી શરૂ થઇ છે. જોકે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતાની સાથે જ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા ટિકીટની માંગણી કરવાની શરૂઆત પણ કરી દીધી હતી. જેમાં ભાજપમાંથી જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે 141 ઉમેદવારોએ ટિકીટની માંગણી કરી છે. જ્યારે 3 તાલુકાની કુલ 80 સીટ માટે કુલ 283 કાર્યકરોએ ટિકીટની માંગણી કરી છે. ઉપરાંત કલોલ અને દહેગામ નગરપાલિકાની કુલ 18 સીટ માટે 217 કાર્યકરોએ ટિકીટની માંગણી કરી છે. તેજ રીતે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે 160 ઉમેદવારોએ અને તાલુકા પંચાયતની કુલ 80 સીટો માટે 220 તેમજ નગરપાલિકાની 18 સીટો માટે 203 કાર્યકરોએ ટિકીટની માંગણી કરી છે. આથી સીટોની સરખામણીએ 5 ગણા કાર્યકરોએ ટિકીટની માંગણી કરતા ટિકીટની વહેંચણીને લઇને ભાજપ અને કોંગ્રેસ માટે એવરેસ્ટ સર કરવા જેવી સ્થિતિ બની રહેશે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકીટની વહેંચણી ભાજપ અને કોંગ્રેસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જ નિર્ણય લેવામાં આવશે.

ટિકીટની વહેંચણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં કપરાં ચઢાણ છે. ઉપરાંત ટિકીટની માંગણી કર્યા બાદ હવે મેન્ડેટ મેળવવા માટે કાર્યકરો દ્વારા શામ-દામ-દંડ અને ભેદની નીતિ અજમાવી રહ્યા છે. રાજકીય લોબીંગ કરીને પણ ટિકીટ બાદ મેન્ડેટ મેળવવા માટે રાત્રી બેઠકોનો દૌર શરૂ થયો છે. રાત્રી બેઠકો પણ ગુપ્ત સ્થળે રાખવામાં આવી રહી છે. જોકે ટિકીટની વહેંચણીમાં રાજકીય પક્ષો દ્વારા કાર્યકરોને મેન્ડેટ આપ્યા બાદ બળવાનો જવાળામુખી ફાટવાની પૂરે-પૂરી શક્યતા રહેલી છે. જોકે કોંગ્રેસમાં તો ચૂંટણીના ફોર્મ ભરાય તે પહેલાં જ બળવાનો રંગ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોમાંથી મેન્ડેટ નહીં મળે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી ફોર્મ ભરવા સહિતી તૈયારીઓ કાર્યકરો દ્વારા કરી દેવામાં આવી હોવાની ચર્ચાઓ રાજકીય બેડામાં જોવા મળી રહી છે.

કલોલમાં 76 બેઠક માટે 313 ફોર્મનું વિતરણ થયું
કલોલ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સંસ્થાની 76 બેઠક ઉપર તા. 28મી ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. સોમવારે નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, આ ચૂંટણી જંગમાં ઝંપલાવવા ઉત્સુક હોય તેવા સંભવિત ઉમેદવારોએ આજે પ્રથમ દિવસે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. તેના કારણે 313 ફોર્મનું વિતરણ થયુ હતું. તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયા અનુસાર કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા પંચાત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવા માટેનો પ્રથમ દિવસ હતો. ત્યારે કલોલ નગરપાલિકાની 44 બેઠક માટે સૌથી વધુ 153 ફોર્મનું વિતરણ થયુ હતું. જ્યારે તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 42 ફોર્મનું વિતરણ થયુ હતું. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સમાવેશ થતી કલોલ તાલુકાની 6 બેઠક માટે 18 ફોર્મનું વિતરણ થયુ હતું. આ તમામ મળીને આજે પ્રથમ દિવસે કુલ 313 સંભવિત ઉમેદવારો ફોર્મ લઇ ગયા હતાં. કલોલ તાલુકા પંચાયતની 42 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા બે ભાગમાં હાથ ધરવામાં આવી છે. તેમાં આજે મામલતદાર કચેરીમાં 12 બેઠક માટે 23 ફોર્મ તેમજ તાલુકા પંચાયત કચેરીમાં 14 બેઠક માટે 19 ફોર્મનું વિતરણ પ્રથમ દિવસે થયુ હતું. આમ પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરીને ચૂંટણી તંત્ર સમક્ષ રજૂ થયુ ન હતું.

દહેગામમાં પહેલા દિવસે એક પણ ફોર્મ ન ભરાયું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે, સોમવારે નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, તેવામાં દહેગામ નગરપાલિકાની 28 તાલુકા પંચાયતની 28 તેમજ જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે માત્ર ઉમેદવારી પત્રકોનું વિતરણ થયું હતું પ્રથમ દિવસે ઉમેદવારો દ્વારા એક પણ ફોર્મ ભરાયું ન હતું. દહેગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે પાલિકાની કચેરીમાં જ ચૂંટણી અધિકારી અને સ્ટેમ્પ ડ્યૂટીના ડેપ્યુટી કલેક્ટર જીજ્ઞાશા વેગડા અને મદદનીશ ચૂંટણી અધિકારી ચાંદની ગાંધીના નેજા હેઠળ ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે જુદા જુદા રાજકીય પક્ષના અને અપક્ષ ઉમેદવારી કરવા માગતાં ઉમેદવારો દ્વારા માત્ર ફોર્મ એકત્ર કર્યાં હતા પ્રથમ દિવસે 78 લોકોને ઉમેદવારી ફોર્મનું વિતરણ કરાયું હતું જ્યારે જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ચૂંટણી અધિકારી અને જિલ્લાના પ્રાંત અધિકારી જીતુભાઈ ભોરણીયાના નેજા હેઠળ 22 લોકો ઉમેદવારી ફોર્મ લઇ ગયા હતા. ઉપરાંત તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી 16 બેઠકોના ચૂંટણી અધિકારી અને મામલતદાર એચ.એલ.રાઠોડના નેજા હેઠળ 20 તેમજ બાકીની 12 બેઠકો માટે ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંગ રાજપૂતની કચેરીમાંથી માત્ર 3 લોકોએ ઉમેદવારી ફોર્મ મેળવ્યા હતા.

માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ઇચ્છુક અરજદારો 38 ફોર્મ લઇ ગયા
​​​​​​​સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પ્રસિદ્ધ થયેલ જાહેરનામાં બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોએ આજથી ફોર્મ લેવાનું શરૂ કર્યું છે, જેમાં માણસાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે સાંજ સુધીમાં 38 ફોર્મ ઇચ્છુક અરજદારો ઉમેદવારી નોંધાવવા માટે લઇ ગયા છે, તો નગરપાલિકાની 2 બેઠકોની પેટાચૂંટણી માટે 4 ફોર્મ લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માણસા તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે મતદાન યોજાવાનું છે તે બાબતનું આજે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તે સમયથી જ ચૂંટણી લડવા માટે ઇચ્છુક દાવેદારો માટે ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયું છે. તે મુજબ આજે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં ફોર્મ વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં મામલતદાર કચેરીમાંથી આજે સાંજ સુધીમાં તાલુકા પંચાયતની બેઠકો માટે 25 દાવેદારો ફોર્મ લઇ ગયા છે તેવી જ રીતે તાલુકા પંચાયત કચેરીમાંથી 7 ફોર્મ લેવામાં આવ્યા છે તો નગરપાલિકાની 2 બેઠકો માટેની પેટાચૂંટણીના 4 ફોર્મ અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 6 અરજદારોએ ફોર્મ લીધા છે. ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા હાંસલ કરી હતી અને જિલ્લાની 6 બેઠકો પણ કોંગ્રેસે જાળવી રાખી હતી પરંતુ રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષ પલટાના લીધે કોંગ્રેસે સત્તા ગુમાવી હતી, જેથી આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઈ કચાશ રાખવા માંગતી નથી તો સામે પક્ષે ભાજપ પણ કોઈપણ ભોગે તાલુકા અને જિલ્લા પંચાયત હસ્તક કરવા માંગે છે ત્યારે હવે બંને મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારોની આખરી યાદી જાહેર કરશે ત્યારબાદ જ ચૂંટણીનો જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો