શિક્ષણમંત્રીની જાહેરાત:રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુ.એ ખુલશે, ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી મળી

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું ( ફાઈલ ફોટો). - Divya Bhaskar
સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું ( ફાઈલ ફોટો).
  • ટૂંક સમયમાં કોલેજના પહેલા અને બીજા વર્ષ પણ શરૂ કરાશે
  • હોસ્ટેલ ખોલવા માટે અભ્યાસ બાદ નિર્ણય લેવાશે
  • રાજ્યમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી
  • વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવી

2020ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ​​​​​​ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂરી થયા બાદ ધોરણ 9થી 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસ પણ પૂન: શરૂ કરી શકાશે. જ્યારે કોલેજ કક્ષાએ પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. એ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ધોરણ 9થી 12ના જ ટ્યૂશ ક્લાસિસ ખોલવા મંજૂરી આપી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. જ્યારે કોચિંગ ક્લાસિસ માટે પણ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા S.O.Pનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે.

11 જાન્યુઆરીએ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
11 જાન્યુઆરીએ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે
જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજૂઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે ચાર વખત મુદત લંબાવવામાં આવી હોવાથી તેમજ પ્રવેશની કામગીરી પણ સ્કૂલો તરફથી પૂર્ણ થઈ જ ગઈ હોવાની બાબતને ધ્યાને લેતાં એ માટેની તારીખ હવે પછી લંબાવવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા.

સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ કલાસીસ પણ શરુ થશે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું કે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ કલાસીસ પણ રાજ્યમાં પૂન: શરૂ કરી શકાશે. આવા કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા S.O.Pનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કાર્યરત સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હવે તા.1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને તે જ રીતે ખાનગી ટ્યૂશન ક્લાસીસ પણ ધો. 9 થી 12ના વર્ગનું સંચાલન શરૂ કરી શકશે, પરંતુ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈનની જે SOP અગાઉ ધો. 10 અને 12ના તેમજ ઉચ્ચ શિક્ષણમાં કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરતાં પહેલાં તા.8મી જાન્યુઆરી એ જાહેર કરેલી છે તે SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કોલેજ કક્ષાએ પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય ટૂંક સમયમાં શરૂ કરાશે
ચુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોલેજની હોસ્ટેલમાં covid-19 સંદર્ભે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યા હતા આ સેન્ટરો સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવશ્રી દ્વારા આવા કેર સેન્ટરની સંપૂર્ણ ચકાસણી કરીને, સેનિટાઈઝેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને રહેવાલાયક છે એવી ચકાસણી કર્યા પછી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ 11 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ 11 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.

વાલીમંડળે સરકારની જાહેરાતને આવકારી
સરકારની જાહેરાતને ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા આવકારવામાં આવી છે. વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સ્કૂલોએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામા આવેલી SOPનું ધ્યાન રાખવું પડશે. તે ઉપરાંત રાજ્યમાં ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની જે વાત છે એમાં વર્ગો ખૂબ જ નાના હોય છે અને કોમર્શિયલ બિલ્ડિંગમાં હોય છે. ટ્યુશન ક્લાસિસમાં સખ્ત પણે SOP અને ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવું પડશે. જ્યારે કોઈપણ બાળક કોરોનાથી સંક્રમિત થશે તો તેની જવાબદારી આ ટ્યુશન ક્લાસીસની રહેશે. આ ક્લાસિસ કોઈપણ બાબતે ચુકશે તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવા હું વાલી મંડળ તરફથી રાજ્ય સરકારને વિનંતી કરું છું.
સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

  • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
  • વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
  • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
  • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
  • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.
  • રાજ્યમાં આવેલાં તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
  • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
  • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
  • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે.
  • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
  • સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે એવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
  • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
  • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.