ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને હવે મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. આગામી 16 ડીસેમ્બરના રોજ કોર્ટ સ્થિત બાર રૂમમાં મતદાન થશે અને ત્યારબાદ મત ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ મતદાન પહેલા પ્રમુખ પદ માટે ઉમેદવારી કરનાર એક ઉમેદવાર દ્વારા હથિયાર હેઠા મુકવામાં આવ્યા છે અને અન્ય ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.
ગાંધીનગર કોર્ટમાં વર્ષો પછી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ રહી છે. બાર એસોસિએશનના પ્રમુખ બનવા તડજોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોર્ટમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી 5 ઉમેદવારો ચૂંટણી જંગમાં અડીખમ ઉભા હતા. પરંતુ ફોર્મ પરત ખેંચવાની મર્યાદા પુરી થઇ ગયા પછી પણ એક ઉમેદવાર દ્વારા પ્રમુખ પદમાંથી હથિયાર હેઠા મુકી દેવામાં આવ્યા છે.
અન્ય ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાવવા લાલ આંખ કરવામાં આવી હોવાનુ સમગ્ર કોર્ટ સંકૂલમાં ચર્ચા સાંભળવા મળી રહી છે. હાલમા પ્રમુખ તરીકે 4 ઉમેદવાર કૌશિક શ્રીમાળી, રાજેન્દ્રસિંહ રાઓલ, બળદેવ પરમાર અને જીતેન્દ્ર પટેલ મેંદાનમાં છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે 8 ઉમેદવાર અમિતા વાઘેલા, ચિંતન ત્રિવેદી, પી.ટી.અમીન, એ.બી. ઠાકોર, જયેશ પટેલ, તેજશ દવે, રામચંદ્ર ત્રિવેદી, અને ભૂપેન્દ્રસિંહ ગોહિલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે મહિલા પ્રતિનિધિ, લાયબ્રેરીયન સેક્રેટરી અને સભ્યો બિનહરિફ જાહેર થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.