હાર્દિક જલદી ભાજપમાં જોડાશે:મોરબી જિલ્લા કે અમદાવાદ શહેરમાંથી ચૂંટણી લડાવી શકે તેવી સંભાવના; અમિત શાહ ગુજરાત આવ્યા અને ખેલ પડ્યો

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
જમણે હાર્દિક પટેલ અને ડાબે અમિત શાહ - ફાઇલ તસવીર - Divya Bhaskar
જમણે હાર્દિક પટેલ અને ડાબે અમિત શાહ - ફાઇલ તસવીર

હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તે પૂર્વેના ભાજપમાં ચાલેલાં ઘટનાક્રમો એ ઇશારો કરતાં હતાં કે હવે હાર્દિક ઝડપથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવશે. તેમાંય ગયા રવિવારે અને સોમવારે અમદાવાદ નજીક યોજાયેલી ભાજપની ચિંતન બેઠકમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ખેલનો આખરી દાવ ખેલ્યો હતો.

શાહે ચિંતન બેઠક પર જમા થયેલાં ભાજપના નેતાઓની વચ્ચે આ અંગે ચર્ચા કરવાને બદલે સરકારી સંસ્થા આઇ-ક્રિએટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તથા નરેન્દ્ર મોદી અત્યંત વિશ્વાસુ એવા કે કૈલાશનાથન સાથે કરેલી આ બેઠક આ માટે અતિ મહત્ત્વની રહી તેવું જાણવા મળે છે.

પાટીદારોની બહુમતીવાળા વિસ્તારને પસંદ કરશે
હવે હાર્દિકને કોઇ ચોક્કસ બેઠક પરથી ચૂંટણી લડાવી ભાજપ તેની તાકાતને અજમાવી જોશે. આ માટે ભાજપ પાટીદારોની બહુમતી ધરાવતા વિસ્તારને પસંદ કરશે. તે જોતાં અમદાવાદ શહેરની વટવા અથવા અમરાઈવાડી, સૂરતની કોઇ એક બેઠક કે મોરબી, ટંકારા અથવા ધ્રાંગધ્રા બેઠક પરથી હાર્દિક ચૂંટણી લડી શકે છે.

હવે યુવા કોંગ્રેસમાં કમઠાણ ચાલ્યું છે
હાર્દિકના રાજીનામાં બાદ કોંગ્રેસમાં અને તેમાંય યુવા કોંગ્રેસમાં કમઠાણ ચાલ્યું છે. હાર્દિકે જેને યુવા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો હતો તે વિશ્વનાથસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી માંગ થઇ રહી છે. શક્તિસિંહ ગોહિલ જૂથના ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ફરી યુવા મોરચાની કામગીરી સોંપાય તેવી માંગ સાથે હવે મોટાભાગના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિષ્ક્રીય થઇ જવાની જાહેરાત કરી છે.

હાર્દિકના રાજીનામા અંગેની પ્રતિક્રિયા

  • હાર્દિકને કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવ્યો હતો. હાર્દિકે કોઇની લખેલી સ્ક્રિપ્ટથી રાજીનામું આપ્યું અને તકવાદી હોવાનું સાબિત કર્યું છે. - મનીષ દોષી, કોંગ્રેસ પ્રવક્તા
  • તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે પણ તેમની અંગત બાબત છે, એટલે એમાં હું કાંઇ કહી શકીશ નહીં. - નીતિન પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી
  • પાટીદાર યુવાનો સામેના કેસ પાછા ખેંચીશું અને આંદોલનમાં શહીદ યુવાનોના પરિવારના સભ્યને સરકારી નોકરી આપીશું, તે હાર્દિક ભાજપમાં જઇને પૂરા કરાવે. - અલ્પેશ કથિરિયા, પાસ નેતા
  • ભાજપના કાર્યકરોએ હાર્દિક સામે સંઘર્ષ કર્યો હતો તે જોતાં કાર્યકરો તેને સ્વીકારશે તેવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવવાની વાત પાયાવિહોણી છે. -વરૂણ પટેલ, ભાજપના નેતા
અન્ય સમાચારો પણ છે...