દારૂની હેરફેર ઝડપાઈ:ગાંધીનગરના ખોરજ ગામની સીમ સુધી ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે સ્વીફટ કારમાંથી દારૂના જથ્થા સાથે બુટલેગરને દબોચી લીધો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના ખોરજ ગામની સીમ સુધી ફિલ્મી ઢબે પીછો કરીને અડાલજ પોલીસે સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ - બિયરના જથ્થા સાથે ઉવારસદ ગામના 26 વર્ષીય બુટલેગરને ઝડપી પાડી 4.27 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે પીછો કરતાં બુટલેગર કાર લઈને ભાગ્યો હતો. જેનાં કારણે કારનો ડિવાઇડર સાથે અકસ્માત પણ થયો હતો.

દારૂનો જથ્થો ભરેલી કાર મહેસાણા અડાલજ હાઇવે થઈ અમદાવાદ જતી હતી
ગાંધીનગરનાં ચીલોડા હિંમતનગર અને અડાલજ કલોલ હાઇવે રોડ વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરો માટે આશીર્વાદ સમાન ધોરીમાર્ગ માનવામાં આવે છે. છાશવારે ઉક્ત ધોરી માર્ગો પરથી દારૂની હેરફેર ઝડપી પાડી પોલીસ કાર્યવાહી કરતી રહેતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે પણ અડાલજ પોલીસે દારૃ ભરેલી કાર ઝડપી પાડવામાં આવી છે. અડાલજ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. એ દરમ્યાન બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલી એક સ્વીફટ કાર મહેસાણા અડાલજ હાઇવે થઈને અમદાવાદ તરફ જવાની છે.

ખોરજ ગામની સીમ તરફ ડિવાઇડર સાથે કારનો અકસ્માત થયો
પોલીસે વૈષ્ણોદેવી સર્કલ પાસે વોચ ગોઠવી દીધી હતી. અને થોડી વાર પછી બાતમી વાળી કાર આવી પહોંચતા તેને ઈશારો કરીને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કારના ચાલકે પૂરપાટ ઝડપે કરીને હંકારીને ભગાડી મુકી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો શરૂ કર્યો હતો. જો કે ચાલકે કારને પૂરપાટ ઝડપે હંકારતા ખોરજ ગામની સીમ તરફ ડિવાઇડર સાથે કારનો અકસ્માત થયો હતો અને કાર રોકાઈ ગઈ હતી.

કુલ રૂ. 4.27 લાખનો મુદામાલ જપ્ત
આ દરમિયાન પીછો કરતી પોલીસ નજીક પહોંચી ગઈ હતી. અને કાર ચાલકને દબોચી લીધો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ નવીન પ્રહલાદજી ઠાકોર હોવાનુ જણાવ્યુ હતું. બાદમાં કારની તલાશી લેતાં અંદરથી દારૂ બિયરનો 80 નંગ જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે બુટલેગર નવીન ઠાકોર ની ધરપકડ કરી દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂ. 4.27 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...