કાર્યકરોની અટકાયત:પાટનગરમાં ટાર્ગેટ પૂરો કરવા પોલીસ આપના કાર્યકરોને પકડતી રહી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસભર પોલીસ કોર્ટ સંકુલની આસપાસ દોડતી રહી અને કાર્યકરોની અટકાયત કરતી રહેતાં ભારે ચકચાર

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો કમલમમા ઘૂસી ગયા બાદથી પાટનગરની પોલીસ એક્શન મોડમા આવી ગઇ છે. મારામારી બાદ આપના નેતાઓની ધરપકડ કરાયા બાદ તેમને એસપી કચેરીમાં રખાયા હતા. ત્યારબાદ મંગળવારે કોર્ટમા રજૂ કરવાના હતા. તે પહેલા પોલીસને ડરના માર્યા શહેરમા પ્રવેશના દ્વાર પર નાકાબંધી કરી હતી. ત્યારે આપના કાર્યકરો જોવા મળતા તેમની અટકાયત કરવામા આવી હતી. કોબામા આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલયમા આપના નેતાઓ સહિત કાર્યકરો ઘૂસી જતા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.

નવા સચિવાલયના દરવાજા બંધ કરી દેવાયા હતા, પરંતુ કમલમના દરવાજા ખુલ્લા હોવાથી આપના નેતાઓ અને કાર્યકરો પેપર લીક કાંડની રજૂઆત કરવા ત્યા પહોચી ગયા હતા. ત્યારબાદ કાર્યાલયમા સમરાંગણ થઇ ગયુ હતુ. જેમા નેતાઓ ઉપર પોલીસ ફરિયાદ કર્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. એસપી કચેરી લઇ જવાયા બાદ સામાન્ય નાગરિકો અને મીડિયા માટે કચેરીના દરવાજા બંધ કરી દીધા હતા. આ સમગ્ર બાબતના પડઘા શહેરમા ના પડે તે માટે આજે મંગળવાર વહેલી સવારથી જ પોલીસે શહેરના નાકા બંધ કરી દીધા હતા.

કલોલ, દહેગામ તરફથી આવતા કાર્યકરોની અટકાયત કરવામા આવી હતી. જ્યારે ગાંધીનગર કોર્ટ સંકુલ આસપાસથી અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જેમને સેક્ટર 13 પોલીસ ચોકીમા લઇ જવાયા હતા. જોકે, દિવસ દરમિયાન કેટલા આપના કાર્યકરોની અટકાયત કરવામા આવી તેનો આંકડો પોલીસ પાસેથી મળ્યો ન હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા રીતસરની દાદાગીરી કરવામા આવતી હતી. આપનો કાર્યકર હોવાની માહિતી મળતાની સાથે જ તેની અટકાયત કરી લેવામા આવતી હતી.

બીજી તરફ એવુ પણ કહેતા હતા કે, પોલીસ ફરિયાદમા 500 લોકોનુ ટોળુ બતાવ્યુ છે, પરિણામે ટાર્ગેટ પુરો કરવા માટે અટકાયત કરવામા આવી રહી છે. આ બાબતને આપના કાર્યકરોએ હિટલરશાહી તરીકે જણાવી હતી. આપના નેતાઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામા આવવાના હોવાના કારણે પોલીસે કોર્ટ સંકુલ આસપાસ લોખંડી પહેરો ગોઠવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...