ગાંધીનગરના નવા પીંપળજ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી 16 વર્ષીય સ્કૂટી ચાલક સગીરનું મોત નિપજ્યું હતું. આ અનડિટેક્ટ ગુનામાં ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પેથાપુર પોલીસે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધરી ગામના જ યુવાનની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જ્યા પછી બાઇકને પીકઅપ ડાલામાં ભરીને લઈ બે ઈસમો નાસી જતાં સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
16 વર્ષીય તિલકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું
ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદમાં ગત તા.15મી નવેમ્બરના રોજ સવારના સમયે બોરીપુરા પાટીયા નવા પીંપળજ પાસે મયંક પટેલના 16 વર્ષના દીકરા તિલકના સ્કૂટીને અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં તિલકનું મોત નિપજતાં પેથાપુર પોલીસ મથકના ચોપડે ગુનોં દાખલ કરવામાં આવ્યો હતો.
બે ઈસમો કેમેરામાં કેદ થયા હતા
આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે પીએસઆઇ એમ એસ રાણાએ સર્વેલન્સ સ્કવોર્ડને પરિણામલક્ષી તપાસ કરવા માટે સૂચનાઓ આપી હતી. જેના પગલે પોલીસ ટીમના માણસોએ આસપાસના વિસ્તારોમાં પૂછતાછ શરૂ કરી સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી હતી, ત્યારે અકસ્માત પછી એક શંકાસ્પદ બાઇકને પીકઅપ ડાલામાં લઇ જતા બે ઇસમો કેમેરામાં કેદ થયા હતા.
પોલીસથી બચવા આરોપી બાઈકને પીકઅપ ડાલામાં લઈ ગયો હતો
આથી પોલીસ ટીમે પીકઅપ ડાલાના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસનો દોર આગળ વધારી તેના માલિકને શોધી કાઢવામાં આવ્યો હતો. જે અન્વયે ઉક્ત અકસ્માત કરનાર નવા પીંપળજ ગામનો જયેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા હોવાનું ખુલ્યું હતુ. જ્યારે આ અકસ્માતમાં જયેન્દ્રસિંહને પણ ઈજાઓ થતાં સારવાર કરાવવાની નોબત આવી હતી, પરંતુ અકસ્માતમાં સગીરનું મોત નિપજાવી પોલીસથી બચવા માટે બાઈકને પીકઅપ ડાલામાં ભરી ઘટનાસ્થળેથી લઈ જવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.