હડતાલ ચાલુ:પંચાયત આરોગ્ય કર્મચારી સંઘે હડતાલ યથાવત રાખી, અગાઉ હડતાળ સમેટવાનું નક્કી થયું હતું

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક બાદ હડતાલ સમેટી લેવા અંગે જાહેર નિવેદન કરી ચૂકેલા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમિતિમાં રહેલા મંત્રીઓને પત્ર લખીને બેઠક બાદ આપેલું નિવેદન પાછું ખેંચવાનું જાહેર કર્યું છે. સાથે તમામ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ રાખવાનું પણ જણાવ્યું છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરી, મુખ્ય કન્વીનર જયેશ મોચી અને મહામંત્રી આશિષ બ્રહ્મભટ્ટે સંયુક્ત રીતે લખેલા પત્રમાં જણાવ્યું છે કે મંત્રીઓ સાથેની બેઠક બાદ અમે પ્રેસ કોન્ફરન્સમાં હડતાલ પાછી ખેંચી ફરજ ઉપર જોડાઇ જવા કહ્યું હતું, પરંતુ તેના પછી પાયાના કર્મચારીઓ દ્વારા અતિ રોષ અને અમારા નિવેદન તથા જાહેરાતને વખોડી કાઢી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

33 જિલ્લાના કર્મચારીઓ જ્યાં સુધી મૂળ ત્રણ પ્રશ્નોના ઠરાવ અને પરિપત્રો ન મળે ત્યાં સુધી કોઇપણ પરિણામ ભોગવી હડતાલ યથાવત રાખવાના નિર્ણયમાં હોઇ અમે અમારૂ નિવેદન પાછું ખેંચીએ છીએ.સરકાર સમય મર્યાદા રદ કરીને તાત્કાલિક મુખ્ય ત્રણ માગણીઓ અંગે ઠરાવ કરી નિર્ણય જાહેર કરવામાં આવે તે જરૂરી છે. હડતાલ પરના કર્મચારીઓ સામે એસેન્શિયલ સર્વિસ એક્ટ, એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવાની તેમજ સર્વિસ બ્રેક ગણવાની ચિમકી અપાઇ હોવા છતાં તેમણે હડતાલ ચાલુ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...