રૂપાલની પલ્લી પૂર્ણ:લાખોની મેદની વચ્ચે રાતભર ફરતી પલ્લી માત્ર 1 કલાકમાં જ મંદિરે પહોંચી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂપાલ ગામમાં શુક્રવારે વરદાયીની માતાજીની પલ્લી નીકળી હતી. - Divya Bhaskar
રૂપાલ ગામમાં શુક્રવારે વરદાયીની માતાજીની પલ્લી નીકળી હતી.
  • બહારના લોકો પર પ્રતિબંધ અને ઘીના પ્રતીકાત્મક અભિષેક સાથે રૂપાલની પલ્લી પૂર્ણ

રૂપાલ ગામમાં હજારો વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે. અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી આ વર્ષે પણ ગામના થોડા ઘણા લોકો સાથે જ કાઢવામાં આવી હતી. ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો, કોરોનાકાળ પહેલાં દરેક ચોકમાં ઘીના પીપડાં-ટ્રેક્ટર ભરેલા રહેતાં જેમાં ડોલે-ડોલે પલ્લી પર ઘીનો અભિષેક થતો હતો. જોકે કોરોનાને પગલે છેલ્લે બે વખતથી પલ્લીમાં ઘીની નદીઓ નથી વહીં.

સામાન્ય દિવસોમાં રાત્રે નીકળતી પલ્લી લાખોની મેદનીને પગલે વહેલી સવારે મંદિરે પહોંચતી હતી, જોકે આ વખતે પલ્લી બન્યાના એકાદ કલાકમાં જ પલ્લી દરેક ચોકમાં ફરીને મંદિરે પહોંચી ગઈ હતી. પલ્લીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી સહિત 60 જેટલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પલ્લી પર બે વર્ષ પહેલાં 20 કરોડથી વધુનાં 4 લાખ કિલો ઘીનો ચઢાવો થયો હતો. આ સાથે બે દિવસના મેળામાં અંદાજે 10 લાખ લોકો દર્શન કર્યા હતા. બે વર્ષથી કોરોનાથી મેળો બંધ રખાતા અંદાજે 2 હજાર લોકોના વેપાર-ધંધા પર અસર થઈ છે.

ઉનાવા ખાતે અગ્નિકુંડમાં ભુવાજી કુદ્યા બાદ પલ્લીની શરૂઆત થઈ હતી. દાયકાઓ પહેલાં ઉનાવામાં નોરતાની છેલ્લી રાત્રે ‘નરબલી યજ્ઞ’ થતો હતો. તે સમયે માણસ યજ્ઞકુંડમાં હોમાય તે ભોગના દર્શન કરીને પછી જ રૂપાલની પલ્લીમા ઘી હોમવા જવાય કહેવાતું હતું. જોકે યજ્ઞમાં બલીનાં નામે થતી આ હિંસા સામે ગામમાં રહેતા એક નાગર દંપતીએ અંગ્રેજ સરકારને રજૂઆત કરીને પ્રથા બંધ કરાવી હતી. જે બાદથી હવે ભુવાજી યજ્ઞમાં કુદીને બહાર નીકળી જાય છે અને જે બાદ પલ્લીની વિધિ શરૂ થાય છે. ગામના દરેક સમાજે પલ્લીમાં યોગદાન આપ્યું.

પલ્લીમાં ગામના દરેક સમાજનો ફાળો હોય છે, જેમાં વણકર પલ્લી માટે ખિજડો કાપી લાવે છે, સુથાર પલ્લી બનાવે છે, પ્રજાપતિ કુંડા છાંદે છે, વાણંદ સમાજ વરખડાના સોટા બાંધે છે, માળી સમાજ ફુલથી શણગાર કરે છે, મુસ્લિમ પીંજારા સમાજ કુંડામાં કપાસ પૂરે છે, પંચોલી સમાજ નૈવેધ માટે સવા મણનો ખીચડો બનાવે છે, ચાવડા સમાજ ખુલ્લી તલવાર લઈને પલ્લીની રક્ષા કરે છે, શુક્લ સમાજ પલ્લીની પૂજા કરાવે છે અને પટેલ સમાજ પૂજા-અર્ચના કરાવી કુંડમાં અગ્નિ પ્રગટાવે છે. ત્યારબાદ વાળંદ સમાજના યુવકો પલ્લી આગળ મશાલ લઈને લઈને ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...