નિર્ણય:પાવર ઓફ એટર્ની પર દસ્તાવેજ વખતે મૂળ જમીન માલિકને જાણ કરાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાવેજની નોંધણીની કામગીરીમાં કોઈ ફેર નહીં પડે
  • ​​​​​​​મેદરા, કરાઈ, ગલુદણના જમીન કાંડ બાદ કલેક્ટરનો નિર્ણય

ગાંધીનગર સહિત રાજ્યભરમાં પાવર ઓફ એટર્નીના આધારે અનેક કિસ્સામાં જમીન બારોબાર વેચવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પાવર ઓફ એટર્નીના આધારે હવે કોઈ દસ્તાવેજ થશે ત્યારે મૂળ જમીન માલિકને તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે. કાયદાકીય રીતે પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ નોંધણી થઈ શકે છે, જેને પગલે તંત્ર દ્વારા નોંધણીની પ્રક્રિયા રોકવામાં નહીં આવે પરંતુ માત્ર મૂળ જમીન માલિકોને તંત્ર દ્વારા ખાલી જાણ કરવામાં આવશે.

સામાન્ય રીતે અનેક કિસ્સામાં ખોટા પાવર ઓફ એટર્નીના આધારે જમીનના દસ્તાવેજ થઈ ગયા બાદ વર્ષો પછી જમીન માલિકોને તેની જાણ થાય છે. ગાંધીનગરમાં મેંદરા ખાતે અંદાજે 16 વીઘા જેટલી જમીન કથિત રીતે ખોટી પાવર ઓફ એટર્નીના આધારે જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. જે અંગે આગામી સમયે પોલીસ ફરિયાદ નોંધાશે, સમગ્ર મુદ્દે ખેડૂતોએ સબ રજિસ્ટાર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

મેંદરા, કરાઈ, ગલુદણ સહિતના કિસ્સાઓને જોતા ગાંધીનગરના કલેક્ટર દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. મળેલી માહિતી મુજબ ગાંધીનગરમાં સબ રજિસ્ટાર કચેરી દ્વારા પાવર ઓફ એટર્નીના આધારે જમીન દસ્તાવેજના કિસ્સામાં મૂળ જમીન માલિકોને જાણ કરશે. જેમાં દસ્તાવેજ કરાયો છે કે કરાઈ રહ્યો છે તેવી ખાલી જાણ જ કરવામાં આવશે, તેમાં દસ્તાવેજની નોંધણીની કામગીરીમાં કોઈ ફેર નહીં પડે. માત્ર નાગરિકોની સુવિધા માટે જ મૂળ જમીન માલિકોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...