તંત્રનો આદેશ:SG હાઇવેની એસ ટી બસને ઓવરબ્રિજ પરથી પસાર નહી થવા તંત્રનો આદેશ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ ટી નિગમે સર્વિસ રોડ ઉપરના તમામ પીક અપ સ્ટેન્ડથી મુસાફરો લેવા અને ઉતારવાના રહેશે

એસ જી હાઇવેના ઓવરબ્રીજ ઉપરથી એસ ટી બસો પસાર થઇ જતી હોવાથી મુસાફરોમાં રોષ ઉઠવા પામ્યો છે. આથી એસ ટી નિગમે આદેશ કર્યો છે કે સર્વિસ રોડ ઉપરથી બસો હંકારવાની રહેશે. ઉપરાંત સર્વિસ રોડ ઉપરના પીકઅપ સ્ટેન્ડ ઉપરથી મુસાફરો લેવા અને ઉતારવાના રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સરખેજ, સાણંદ, ધોળકા, ધંધુકા, વિરમગામ, બાવળા, બારેજા સહિતના વિસ્તારોની બસો દોડાવવામાં આવે છે. મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમે લોકલ, એક્સપ્રેસ, સુપર ડિલક્ષ, વોલ્વો સહિતની બસો દોડાવવામાં આવી રહી છે. જોકે એસ જી હાઇવે ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવતા એસ ટી બસોને સર્વિસ રોડ ઉપર હંકારવાનો આદેશ એસ ટી નિગમે કર્યો છે. તેમ છતાં બસના ડ્રાઇવરો દ્વારા એસ ટી બસોને સર્વિસ રોડને બદલે ઓવરબ્રીજ ઉપરથી હંકારવામાં આવી રહી છે. જેને પરિણામે એસ ટી બસમાં અપડાઉન કરતા અને મુસાફર પાસ કઢાવેલા મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે.

એસ.જી. હાઇવેના મુસાફરો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીને પગલે તેઓએ એસ ટી નિગમમાં લેખિતમાં ફરીયાદ કરી હતી. જેને પરિણામે એસ જી હાઇવે ઉપરથી પસાર થતી તમામ પ્રકારની બસોના ડ્રાઇવર અને કંડક્ટરોએ બન્ને તરફના સર્વિસ રોડ ઉપરથી બસો હંકારવાની રહેશે. ઉપરાંત સર્વિસ રોડ ઉપર આવતા તમામ પીકઅપ સ્ટેન્ડ ઉપરથી મુસાફરો લેવા અને ઉતારવાના રહેશે. આ આદેશનું ચુસ્તપણે પાલન થાય તે માટે આકસ્મિક ચેકિંગ કરીને તેનો રિપોર્ટ આપવાનો રહેશે. ઉપરાંત દરેક કર્મચારીઓને લેખિતમાં જાણ કરી તેમની સહી લેવાની રહેશે. તેમ છતાં જો કોઇ કર્મચારી આદેશનું પાલન નહી કરે તો કડક પગલાં લેવાશે તેવો આદેશ નિગમે કર્યો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...