જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નાણાંપંચની ગ્રાન્ટના કામો તેમજ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં લોકોને લઇ જવાના ખર્ચને મંજુર કરવા સહિતના મુદ્દે ગરમાવો રહેશે. સામાન્ય સભામાં જિલ્લાની પાંચ બેઠકના ધારાસભ્યો હાજર રહેવાના હોવાથી તેને લઇને જિલ્લા પંચાયત તંત્ર તેમજ શાસકપક્ષ સ્ટેન્ડ ટુની સ્થિતિમાં આવી ગયું છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાંચેય ધારાસભ્યોની હાજરીની વચ્ચે શાસક અને વિપક્ષ વચ્ચે સભાના એજન્ડાને લઇને મામલો ગરમાઇ શકે છે. નાણાંપંચની નવી ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આયોજનનો મુદ્દો ચર્ચામાં રહેશે. જેમાં ગત ગ્રાન્ટમાંથી નામુંજર થયેલા કામોનો હેતુફેર કરવાનો મુદ્દો ચર્ચાસ્પદ રહેશે. વધુમાં રેતી-કાંકરીના ગ્રાન્ટના વિકાસ કામોનો હેતુફેર કરવાના મુદ્દે ચર્ચા તેજ બનશે. તેજ રીતે સ્વભંડોળ અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી સુચવેલા વિકાસના કામોની મંજુરી આપેલા કામોનો હેતુફેર કરવામાં આવશે.
જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ)ની ગાડીને બહાલી આપવી તેમજ સ્વભંડોળમાંથી નવીન ગાડીની ખરીદી અંગે ચર્ચા કરવામાં આવશે. વધુમાં જિલ્લા પંચાયતના સુપ્રીમ કોર્ટના કેસો લડવા માટે નિયુક્ત કરેલા વકિલની ચુકવવામાં થતી ફીની રકમ સ્વભંડોળમાંથી ચુકવવાનો મુદ્દાની ચર્ચા કરાશે.
જ્યારે ઉત્પાદન, સહકાર અને સિચાઇ સમિતિમાં સદસ્યની નિમણુંક કરવાના એજન્ડાની ચર્ચા કરાશે. જ્યારે સૌથી વિવાદાસ્પદ એજન્ડામાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં લોકોને લઇ જવાનો રૂપિયો 1.50 લાખનો ખર્ચ સ્વભંડોળમાંથી મંજૂર કરવાના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ચર્ચા ઉગ્ર બને તેવી શક્યતા રહેલી છે. જોકે જિલ્લા પંચાયતની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.