તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:રાજયમાં એક માત્ર ગાંધીનગરમાં સફળ નીવડેલો સાયકલ શેરિંગ પ્રોજેક્ટ, મેઈન્ટેનન્સના અભાવે મરણ પથારીએ પડ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગની સાયકલો યોગ્ય જાળવણીના અભાવે કન્ડમ થઈને ધૂળ ખાઈ રહી છે

રાજ્યનું પાટનગર ગાંધીનગર મુખ્યત્વે હરિયાળીથી છવાયેલું છે. પરંતુ સમયની સાથે હવાના પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે વધતા હવાના પ્રદૂષણને અટકાવવા ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલો "જી બાઈક " સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત સાયકલોનું મેન્ટેનન્સ સમયસર થતું નહીં હોવાના કારણે મરણ પથારીએ પડી જવા પામ્યો છે.

રાત્રે 9 વાગ્યા સુધી 1 કલાકના માત્ર રૂપિયા 5ના ભાડાથી સાયકલ ચલાવતા

રાજ્યમાં એક માત્ર પાટનગરમાં સફળ રહેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ મરણ પથારીએ પડ્યો છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આ જીબાઇક યોજના અંતર્ગત શહેરમાં 36 જેટલા સાયકલ સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં જી બાઇક સાયકલ શેરિંગ પ્રોજેક્ટની માર્ચ 2016માં 10 સ્ટેન્ડ અને 100 સાયકલથી શરૂઆત કરવામાં આવી હતી. સમયાંતરે તેને બહોળો પ્રતિસાદ મળતાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. પરિણામે જે તે વિસ્તારના રહેવાસીઓ પણ સવારે 6થી 10 વાગ્યા સુધી નિશુલ્ક અને ત્યાર બાદ રાત્રે 9 વાગ્યા સુધી 1 કલાકના માત્ર રૂપિયા 5ના ભાડાથી સાયકલ ચલાવતા થઈ ગયા હતા.

જી બાઇક એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી નગરજનો સાયકલ શેરિંગ પ્રોજેક્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે સુચારુ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરનાં કોઇપણ સ્ટેન્ડ પરથી લીધેલી સાયકલ કોઇપણ સ્ટેન્ડ પર જમા કરાવી શકવાની સાથે જી બાઇક એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનાં થકી જો કોઇ પાસે સ્માર્ટ ફોન ના હોય તો સ્ટેન્ડ પરના ઓપરેટર પાસે રહેલા ફોન પરથી બુકીંગ પણ કરાવી શકાય છે.

હવે સ્ટેન્ડ પરથી સાયકલો મળતી નથી

આ પ્રોજેક્ટના કારણે ગાંધીનગર શહેરમાં નાનાં નાનાં કામો માટે કે નજીવા અંતરે ઉપયોગ કરવામાં આવતા મોટર સાઇકલોના વપરાશ પર કાબૂ આવી ગયો હતો. અને નગરજનો સ્વાસ્થય પ્રત્યે જાગૃત પણ થવા લાગ્યા હતા. ત્યારે ગુડા દ્વારા વિવિધ સ્ટેન્ડ પર મૂકવામાં આવેલી સાયકલોની સમયાંતરે મેન્ટેનન્સની કામગીરી કરવામાં નહીં આવતાં મોટાભાગની સાયકલો કન્ડમ થઈને ધૂળ ખાઈ રહી છે. નગરજનો સાયકલ ચલાવતા થયા ત્યારે હવે સ્ટેન્ડ પરથી સાયકલો મળતી નથી.

સાયકલ રીપેર કરવા સમયસર કોઈ આવતું નથી

મોટાભાગના સ્ટેન્ડ પર સાયકલોની સીટ, પેંડલ વિગેરે પાર્ટસ તૂટેલા તેમજ ટાયર ફૂટેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્ટેન્ડ પર હાજર કર્મચારી પણ મેન્ટેનન્સનું થતું ન હોવાનું કારણ આગળ ધરીને પોતાની નોકરીનો સમય પૂર્ણ કરવા લાગ્યા છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં સાયકલોનું સમયાંતરે મેન્ટેનન્સ કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે સાયકલ રીપેર કરવા સમયસર કોઈ આવતું નથી. જેના કારણે દિવસે દિવસે કંડમ સાયકલોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. જેમાંથી ઘણી સાયકલો ચોરાઈ પણ જવા પામી છે.

સામાન આવી જશે પછી સાયકલોનું રીપેરીંગ કામ થશે

આ અંગે પાવર લાઈન કંપનીના સુપરવાઇઝર કીર્તિ ભાઈએ જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે સાયકલોનો વપરાશ ઓછો થઈ ગયો હતો. ગાંધીનગર જુદા જુદા સાયકલ સ્ટેન્ડ પરની 592 સાયકલોમાંથી 250 જેટલી સાયકલો ખોટવાઇ ગઇ છે. જ્યારે 9 સાયકલો ચોરાઇ ગઈ છે. હાલમાં પીડીપીયુના બુથ પરથી સાયકલ રીપેરીંગનું નાનું નાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મોટાભાગની સાયકલોમાં પંક્ચર, બ્રેક વાયર તૂટેલા વિગેરે પાર્ટસ ખરાબ થઈ ગયા છે. જેનું લિસ્ટ બનાવીને કંપનીમાં મોકલી આપવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. કંપનીમાંથી સામાન આવી જશે પછી વધુ સાયકલોનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...