યૂનિવર્સિટીનો નવતર પ્રયોગ:વિશ્વની એક માત્ર ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં નાનાં બાળકોને પણ અપાય છે પ્રિ-સ્કૂલ એડમિશન, પ્રવેશ પ્રક્રિયા શરૂ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • નવ્ય, દિવ્ય અને ભવ્ય એમ ત્રણ કેટેગરીમાં ત્રણથી પાંચ વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે
  • નાના બાળકોને પણ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે

ગાંધીનગર સ્થિત વિશ્વની એકમાત્ર એક એવી ચિલ્ડ્રન યુનિવર્સિટી છે કે જ્યાં નાના બાળકોને પણ પ્રિ સ્કૂલ એડમિશન આપવામાં આવી રહ્યું છે. યૂનિવર્સિટીનાં આ નવતર પ્રયોગથી પ્રિ સ્કૂલથી નાના ભૂલકાઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા મળી રહેશે. ત્યારે આ યૂનિવર્સિટી દ્વારા નાના બાળકોને યૂનિવર્સિટીનું અત્યારથી જ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

સામાન્ય રીતે યુનિવર્સિટી શબ્દ સાંભળીએ એટલે મનમાં મોટું કેમ્પસ, માસ્ટર્સ અને પી.જી. કોર્સિંસમાં અભ્યાસ કરતા યુવાનોનું દ્રશ્ય સામે આવે. પરંતુ ગાંધીનગરમાં એક એવી યુનિવર્સિટી છે, જે પ્રિ-સ્કૂલ એટલે કે બાલમંદિરથી પ્રવેશ આપે છે. કદાચ વિશ્વની આ એકમાત્ર એવી યુનિવર્સિટી છે, જે નાના બાળકોને પણ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપે છે.

એકતરફ સમગ્ર રાજ્યમાં સ્કૂલ, કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની પ્રિ-સ્કૂલ એટલે કે "શિશુ નિકેતન"માં પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે બાળકને ત્રણ વર્ષ પૂરાં થયાં હોય તેમને અહીં પ્રવેશ આપવામાં આવે છે. અહીં નવ્ય, દિવ્ય અને ભવ્ય એમ ત્રણ કેટેગરીમાં ત્રણથી પાંચ વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.

આ અંગે યૂનિવર્સિટીનાં કુલપતિ હર્ષદ શાહે જણાવ્યું હતું કે, મહત્ત્વની વાત એ છે કે, અહીં બાળકોને એક્ટિવિટી બેઝ લર્નિંગ એટલે કે પ્રવૃત્તિના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે, અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ આ યુનિવર્સિટીનું ધ્યેય છે. તેજસ્વી બાળક તેજસ્વી ભારતના ધ્યેયસૂત્ર સાથે આ યુનિવર્સિટી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચિલ્ડ્રન યૂનિવર્સિટી દ્વારા શરૂઆતથી જ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને શિક્ષણ કાર્ય આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ યૂનિવર્સિટી દ્વારા છેવાડાનાં ગરીબ બાળકો પણ રમકડાંથી રમતાં-રમતાં શીખી શકે તે હેતુથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા સાડા પાંચ હજાર રમકડાનું દાન કરાયું છે. આ સાથે યુનિવર્સિટીએ દેશમાં સૌ પ્રથમ એક જ દિવસમાં, એક જ સ્થળ પર આટલાં બધાં રમકડાં દાન કર્યા હોવાનો રેકોર્ડ સર્જ્યો છે.

આ ઉપરાંત તેજસ્વી બાળકના જન્મ થકી તેજસ્વી રાષ્ટ્રના નિર્માણના હેતુથી કાર્યરત્ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બીજી જૂનના રોજ સામુહિક સીમંતોન્નયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સીમંતોન્નયન સંસ્કાર વિધિ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...