ગુજરાત સરકારે કેબિનેટ બેઠક અને કોર કમિટીની બેઠકમાં અમદાવાદની રથયાત્રા અંગેના આયોજનને લગતું વ્યવસ્થાપન આખરી કરી દીધું છે, જોકે આ અંગેની જાહેરાત કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ ઉતાવળ નહીં કરે. સરકારનાં સૂત્રો અનુસાર, આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી રથયાત્રાના આગલા દિવસે, એટલે કે રવિવારે સાંજે જગન્નાથ મંદિરની મુલાકાત લઈને એ જ વખતે કરશે.
રથયાત્રા બાબતે બુધવારની કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત અત્યારથી કરી દેવાય તો એની વિરુદ્ધ કોર્ટમાં પિટિશન થાય તો કાયદાકીય ગૂંચમાં પડીને આખો મામલો ખેંચાઈ જાય. એને બદલે એક દિવસ અગાઉ નિર્ણય જાહેર થાય તો એ અંગેની કોઇ તક રહે નહીં.
રથયાત્રા દરમિયાન ભીડ ભેગી ન થાય એ માટે સંપૂર્ણ નિયંત્રણ હેઠળ જ આખો કાર્યક્રમ પાર પાડવો પડે તેમ છે. કોરોનાને ધ્યાનમાં લઇને એ દિવસે રથયાત્રાના રૂટના વિસ્તારો પર સંપૂર્ણ અમદાવાદમાં જનતા કર્ફ્યૂ કે અન્ય નિયંત્રક પગલાં લેવાં જરૂરી બને. જો અગાઉથી જ આ અંગેની જાહેરાત કરી દેવામાં આવે તો અન્ય શહેરો કે ગામોમાંથી પણ દર્શન માટે ભીડ ભેગી થવાની શરૂઆત થઈ શકે છે.
રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો
ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં? અને નીકળશે તો કેવી રીતે નીકળશે એ અંગે હજુ સુધી સરકારે સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી. રથયાત્રા આડે હવે માંડ 4 દિવસ બાકી છે, ત્યારે બુધવારથી જ રથયાત્રાના આખા રૂટ પર પોલીસ-સુરક્ષાકર્મીનો બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે રથયાત્રાના બંદોબસ્ત માટે હાલમાં એસઆરપીની 10 કંપની પણ તહેનાત કરી દેવાઈ છે. રથયાત્રા દર વર્ષની જેમ નિર્ધારિત રૂટ પર નીકળે એવી શક્યતા છે, જેથી હવે પોલીસે એ દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુધવારથી તમામ પોલીસ સ્ટેશનોના પોલીસકર્મીઓને રથયાત્રાના બંદોબસ્ત માટે બોલાવાયા હતા, જેમાંથી ઘણા પોલીસ અધિકારી-કર્મીઓને બંદોબસ્ત ફાળવી દેવાયો છે.
દરેક પોલીસ સ્ટેશનમાંથી 70 કર્મચારી મુકાયા
રથયાત્રાના રૂટમાં આવતાં પોલીસ સ્ટેશન સિવાયનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી પીઆઈ અને 50થી 70 પોલીસકર્મીઓને રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત માટે બોલાવાયા છે. બહારથી આવનારા પોલીસકર્મચારીઓ પણ આજે આવી પહોંચશે.
પો. કમિશનર સરસપુર મંદિરે દર્શન માટે ગયા
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સેકટર-1ના અધિક પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી તેમજ ઝોન-3 ડીસીપી મકરન્દ ચૌહાણ મંગળવારે રાતે સરસપુરના રણછોડરાયના મંદિરે દર્શન કરવા ગયા હતા તેમજ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
દરેક રથ પર 70 ખલાસી રાખવાની માગણી
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથ ખેંચવા માટે મંદિર ટ્રસ્ટને 120 ખલાસીનું લિસ્ટ સોંપવામાં આવ્યું છે. દરેક રથ પર 40ને બદલે 70 ખલાસી રાખવાની માગ કરાઈ છે. આ તમામ 120 ખલાસીએ કોરોનાની રસીને બંને ડોઝ લઈ લીધા છે. આ તમામ ખલાસીઓ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હજી સુધી સરકાર દ્વારા કોઈ ગાઈડલાઇન્સ આપવામાં આવી નથી, પરંતુ આ ખલાસીબંધુઓ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો પૂરો ઉપયોગ કરશે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ખલાસીબંધુ સાથે જ નીકળશે એવો અમને વિશ્વાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.