વિશ્વ સિંહ દિવસ:ગુજરાતમાં સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો, 2015માં 529 સિંહ હતાં જે વધીને હવે 674 થયાં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • એશિયાઇ સિંહના સંરક્ષણને અગ્રતા આપી વડાપ્રધાન મોદીએ લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે.
  • સરકારે સિંહોના જતન માટે અદ્યતન લાયન હોસ્પિટલ-લાયન એમ્બ્યુલન્સની સુવિધા આપી છે.
  • સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે ત્રણ જિન પૂલ શરૂ કર્યા.

સોરઠ-ગીર પ્રદેશના આ સાવજની સાથે સ્થાનિક લોકો સહિત સૌના ભાવાત્મક જોડાણ, સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે રાજ્યમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોમાં 29 ટકા જેટલો વધારો થયો છે. 2015માં 529 સિંહ હતા તે વધીને હવે 674 થયા છે. આ વૃદ્ધિ સ્પષ્ટ સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં માનવ વસ્તી સાથે સિંહોનો ઉછેર, જનજીવનમાં સ્વીકૃતિની વ્યવસ્થા એ માનસિકતા બની ગઇ છે. તેમણે આ માનસિકતાને વ્યાપક ઊજાગર કરવા અને સિંહના જતન, સંવર્ધન, સંરક્ષણમાં બાળકો, યુવાનો સહિત સૌ પ્રેરિત થાય તે માટે આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી યથાર્થ બને તેવી અપેક્ષા દર્શાવી હતી.

જૂનાગઢના ઇન્દ્રેશ્વર પાસે લાયન સફારી વિકસી રહી છે
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં સિંહના વિચરણ-હર ફરનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો જિલ્લાઓ મળી 30 હજાર ચોરસ કિલોમીટર થયો છે.સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને સરળતાએ સિંહ જોવા મળે અને ગીર જંગલ સિવાયના વિસ્તારોમાં પણ સિંહ દર્શનની પ્રવાસન પ્રવૃત્તિ વિકસે તે માટે અમરેલીના આંબરડી અને જૂનાગઢના ઇન્દ્રેશ્વર પાસે લાયન સફારી વિકસાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સિંહના આરોગ્ય જતન, સંરક્ષણ માટે સાસણગીરમાં અદ્યતન લાયન હોસ્પિટલ, લાયન એમ્બ્યુલન્સ, રેસ્કયુ એન્ડ રેપિડ એકશન ટિમ, ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રના નવતર કન્સેપ્ટ વિકસાવી વનરાજની માવજત જાળવણીનું કામ જનસહયોગથી ઉપાડયું છે.

વિશ્વ સિંહ દિવસે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી થયા
વિશ્વ સિંહ દિવસે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી થયા

સિંહ સંરક્ષણ અને સંવર્ધનની કડી મજબૂત બનાવાશે
સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાતવીરડા એમ ત્રણ સ્થળોએ જિનપૂલ શરૂ કરવામાં આવ્યા છે. એશિયાઇ સિંહોના સંરક્ષણને પ્રાધાન્ય આપીને વડાપ્રધાન મોદીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે. આ લાયન પ્રોજેકટ અન્વયે આગામી વર્ષોમાં રેસ્કયુ સેન્ટર્સ હોસ્પિટલ, લેબોરેટરી, બ્રિડીંગ સેન્ટર, સિંહોની સારવાર સુશ્રુષા માટે સારવાર કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ, રેડિયો કોલર અને મોર્ડન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગી કરી સિંહ સંરક્ષણ અને સંવર્ધનની કડી મજબૂત બનાવવામાં આવશે.

આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ સ્થપાશે
રૂપાણીએ ઉમેર્યુ કે,સાસણગીર ખાતે આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડિસીઝ ડાયસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની નેમ છે. વન પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, 2019માં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં પાંચ હજાર શાળાઓ તથા 11 લાખથી વધુ લોકોને જોડીને ગુજરાતે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી સિંહની સમૃદ્ધિનો ડંકો દુનિયામાં વગાડયો હતો. સિંહોમાં ભૂતકાળમાં જોવા મળેલી બિમારી સામે રક્ષણ આપવા મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમેરિકાથી રસી મંગાવી સિંહોને આપવામાં આવી હતી.