રાજ્ય સરકારે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરુ કરવામાં ભારે ઉદાસિનતા દાખવી છે. રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં અંગ્રેજી માધ્યમની 1687 પ્રાઈવેટ સ્કૂલો શરુ થઈ છે. આ દરમિયાન રાજ્ય સરકારે અંગ્રેજી માધ્યમની માત્ર 42 સ્કૂલોને મંજુરી આપી છે. દર વર્ષે સામાન્ય રીતે 300 જેટલી ખાનગી અંગ્રેજી શાળાઓને મંજુરી આપવામાં આવતી હોય છે. જેની સામે સરકાર દ્વારા માત્ર 20 જેટલી સ્કૂલોને મંજુરી આપવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ જેવી પરીક્ષાઓમાં અંગ્રેજી ભાષાના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે સરકાર પણ અંગ્રેજી વિષયની સ્કૂલોને શરુ કરવામાં ઉદાસિનતા દાખવી રહી છે.
રાજ્યમાં કયા વર્ષમાં કેટલી સ્કૂલો ખુલી
રાજ્યમાં 2013-14માં કુલ 43,176 પ્રાથમિક શાળાઓ હતી. જેમાંથી સરકારી પ્રાથમિક શાળાની સંખ્યા 33,713 હતી. જેમાંથી ગુજરાતી માધ્યમની 33,264 અને અંગ્રેજી માધ્યમની માત્ર 88 સ્કૂલો હતી, જે વર્ષ-2019-20માં વધીને માત્ર 170 એ પહોચી છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમની 2013-14માં ખાનગી પ્રાથમિક શાળાની સંખ્યા 1873 હતી જે 2019-20માં વધીને 3559એ પહોચી છે. 6 વર્ષમાં અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક સ્કૂલોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. ખાનગી સ્કૂલોના સંચાલકોને બખ્ખા કરાવવા માટે રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાની તસ્દી લેતા નથી.
ગુજરાતમાં 6 હજાર સરકારી શાળાઓ બંધ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતમાં 6 હજાર જેટલી સરકારી શાળાઓ બંધ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે, આ શાળાઓ બંધ કરવાનો અવિચારી નિર્ણય તાત્કાલિક રદ કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં માંગણી કરી છે.પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય સરકાર નીતિરીતિ હોય એ રીતે એક પછી એક પગલાં ભરી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂકોમાં અતિવિલંબ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.