ઉદ્દધાટન:માણસાના ઇટાદરા ગામ ખાતે બાલમંદિર અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન નાયબ મુખ્ય મંત્રીના હસ્તે કરાયું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેઠ સી.એલ.કેળવણી મંડળ સંચાલિત સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાન્તિલાલ પટેલ પ્રિ-પ્રાયમરી સ્કૂલનુ ઉદ્દધાટન કરાયુ

માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે શેઠ સી.એલ.કેળવણી મંડળ સંચાલિત સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાન્તિલાલ પટેલ પ્રિ-પ્રાયમરી સ્કૂલના ( ઇંગ્લીશ મીડિયમ)ના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન આજરોજ નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

નવી પેઢીની કેળવણી –સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય શાળાઓ કરી રહી છે, તેવું કહી નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, શાળાઓની ભૌતિક સુવિધાઓ અને પ્રાથમિક સુવિધાઓને વધુ ઉત્તમ ગામના દાતાઓના દાનથી પ્રદાન થાય છે.વધુ ધનવાન લોકોએ સમાજ વિકાસ અને ગામના વિકાસ માટે હમેંશા મદદરૂપ થાય છે. દાતાશ્રીઓની દાન કરવાની ભાવના થકી જ આજે સમાજમાં અનેક ગરીબ પરિવારોના દીકરા–દીકરીઓ સારું શિક્ષણ મેળવી રહી છે. ગામના વિકાસ કામો વધુ સરળ બની રહ્યા છે.

કોરોનાની મહાબિમારી દરમિયાન પણ માણસા સિવીલ હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. દેશ- વિદેશમાં રહી કે અન્ય શહેરમાં કામ –ધંધો કરી અનેક ધનવાન બનેલા લોકો પોતાના વતન પ્રત્યેનું ઋણ અદા કરવા આવા સેવાકીય કાર્યોમાં દાન આપવા અગ્રેસર રહે છે.

તેમણે રાજય સરકાર દ્વારા અમલી બનાવેલ વતન પ્રેમ યોજનાની વાત કરતાં જણાવ્યું હતું કે, આ યોજના થકી જે દાતાઓ ગામમાં શિક્ષણ, પીવાનું પાણી, પંચાયત, આંગણવાડી જેવા સરકારે નક્કી કરેલા કામો કરવા માંગતા હોય તો તે કામોમાં દાતાએ 60 ટકા જેટલી રકમ આપવાની રહેશે. તેમજ બાકીની 40 ટકા રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવશે. આ યોજનાને કેવો પ્રતિસાદ મળ્યો છે, તેની પણ રસપ્રદ વાત પોતાની શૈલીમાં કહી હતી.

નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇપણ કાર્યને સફળ થવા પાછળ દાતાઓને જેટલો જશ મળે છે, તેટલું જ જશ આ કામમાં દાતાએ આપેલા રૂપિયાનું સુચારું આયોજન કરી પોતાના સમયનું યોગદાન આપનારને પણ મળે છે.

સમયનું યોગદાન આપનારની પણ ભૂમિકા કોઇપણ સેવાકીય કાર્યને સાર્થક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. તેમણે રાજય સરકારની વિવિધ ફલેગશીપ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપી હતી. તેમજ ગામમાં હજુ પણ સેવાકીય કાર્યમાં સહયોગ આપતા દાતાઓને વતન પ્રેમ યોજનાનો લાભ લેવા પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે સંતોકબા કાળીદાસ પટેલ બાલ મંદિરના દાતાઓ અને હીરાબેન કાન્તિલાલ પટેલ પ્રિ-પ્રાયમરી સ્કૂલના દાતા અરવિંદભાઇ પટેલ, રાજીવભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, અશોકભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, રસિકભાઇ પટેલ ર્ડા. જગદીશભાઇ પટેલ , ડી.ડી.પટેલ, સ્વ. શાંતાબેન ત્રિભોવનદાસ પટેલ, સ્વ. રમણલાલ નારણદાસ વૈધ, સ્વ. રમણભાઇ સોમાભાઇ પટેલ, જલધારાના દાતા મનુભાઇ પટેલ અને ભોજનદાતા ભાવેશભાઇ પટેલનું નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઇ પટેલ તેમજ સમાજ અને ગામના અગ્રણીઓ, ઉધોગપતિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...