હર ઘર તિરંગા:શહેરમાં 70 હજારથી વધુ ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાશે!

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા 25થી 30 રૂપિયામાં ફ્લેગ વેચશે, વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની કવાયત શરૂ કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્્વાનથી 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 13થી 15 ઑગસ્ટે ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે. આ અભિયાન માટે મહાનગરપાલિકાએ શહેરમાં 70 હજારથી વધુ ફ્લેગ લાગે તેવી તૈયારી કરી છે. હાલ સુરતથી લવાયેલા 46 હજાર ફ્લેગ કોર્પોરેશન કચેરીએ લાવી દેવાયા છે.

હજુ પણ બીજા ફ્લેગ લવાશે. લોકો સહેલાઈથી નજીકના સ્થળેથી રાષ્ટ્રધ્વજ ખરીદી શકે તે માટે કોર્પોરેશને 11 વોર્ડમાં 22 જેટલાં સ્થળે વેચાણનું આયોજન કર્યું છે. માત્ર 25થી 30 રૂપિયાની કિંમતે ધ્વજનું વેચાણ કરાશે, તેવું જાણવા મળ્યું છે. સાથે જ સરકારી કચેરીઓ, શાળાઓ, શોપિંગ સેન્ટર, પોલીસ સ્ટેશનો, રેલવે સ્ટેશન દરેક સ્થળે 3 દિવસ દેશની આન-બાન-શાન સમાન તિરંગો દેખાશે.

સંગઠનો-ઍસો.ની મદદ લેવાશે ખ્યાતનામના વીડિયો મેસેજ તૈયાર કરાશે
મનપા જીઆઈડીસી ઍસોસિયેશન, બિલ્ડર્સ, પેટ્રોલ પમ્પ, વાહનોના શૉ-રૂમ, હોટેલો, વિવિધ શોપિંગ સેન્ટર, વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાઓ, વિવિધ બૅન્ક્સ સહિતની મદદ લેશે. સાથે જ શહેરના જાણીતા લોકો, કલાકારો, ધાર્મિક ગુરૂઓ સહિતની હસ્તીઓના વીડિયો મેસેજ તૈયાર કરીને લોકો સુધી પહોંચાશે.

વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને અભિયાનમાં જોડડવામાં આવશે
મનપા દ્વારા અભિયાનને લઈને અલગ-અલગ કાર્યક્રમો કરવાની વિચારણા ચાલી રહી છે, જેમાં ઓપન માઈક ઈવેન્ટનું આયોજન થઈ શકે છે, જેથી નાગરિકો દેશભક્તિની કવિતા, ગીત, શાયરી રજૂ કરી શકે. આ ઉપરાંત કોર્પોરેશન સોશિયલ મિડિયા સહિતના માધ્યમથી વધુમાં વધુ લોકોને અભિયાનમાં જોડાશે.

કંપનીઓ કે લોકો સ્વખર્ચે નાગરિકોને ફ્લેગ અપાવી શકશે
અભિયાન માટે કોઈ કંપની કે નાગરિકને દેશભક્તિ દર્શાવવાનો વિચાર હોય તો તે નાગરિકો સુધી ફ્લેગ પહોંચાડી શકે છે. જેમાં કંપનીઓ સીએસઆર એક્ટિવિટી હેઠળ પૈસા આપીને નાગરિકો સુધી ફ્રીમાં તિરંગો પહોંચાડી શકશે. એ જ રીતે કોઈ સેવાભાવિ વ્યક્તિ દ્વારા પૈસા આપી દેવાતાં મનપા તે પ્રમાણેના લોકો સુધી ફ્લેગ પહોંચતા કરશે.

અન્ય સમાચારો પણ છે...