જાહેરનામું:ચૂંટણીલક્ષી ચોપાનિયામાં પ્રકાશનનું નામ અને સરનામાં અચૂક લખવા પડશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશકની ઓળખ અંગેના પુરાવા આપ્યા વિના કોઇપણ વ્યક્તિ ચૂંટણીલક્ષી સામગ્રી છપાવી શકશે નહીં

વિધાનસભાની ચુંટણીને પગલે ચુંટણી પંચે આદેશ કર્યો છે કે ચુંટણીલક્ષી ચોપાનિયા કે ભીંતપત્રોમાં પ્રકાશનનું નામ અને સરનામું ફરજિયાત છાપવાનું રહેશે. ઉપરાંત મુદ્રણ સ્થળ અને પ્રકાશકની ઓળખ અંગેના પુરાવા આપ્યા વિના કોઇપણ વ્યક્તિ ચુંટણીલક્ષી સામગ્રી છપાવી શકશે નહી તેવું જાહેરનામું નિવાસી અધિક કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લાની પાંચ બેઠકો ઉપર વિધાનસભાની ચુંટણીમાં આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ચુંટણીલક્ષી સાહિત્ય, ચોપાનિયા કે ભીંતપત્રો છપાવવા માટે ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાની કડક અમલવારી થાય તે જરૂરી છે.

આથી જિલ્લાના તમામ મુદ્રકો અને પ્રકાશકોને આદેશ કર્યો છે કે ચુંટણીને લગતાં ચોપાનિયા, ભીંતપત્રો કે અન્ય સામગ્રીનું છાપકામ કરતી વખતે મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામા અચૂક દર્શાવવાના રહેશે. ઉપરાંત ચુંટણીલક્ષી ચોપાનિયા, ભીંતપત્રો સહિતના સાહિત્યની અાકસ્મિક તપાસ કરવામાં આવશે. જો તેની અમલવારી કરવામાં નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત ચુંટણીલક્ષી ચોપાનિયા કે ભીંતપત્રો સહિતના સાહિત્યનું છાપકામ કરતા પહેલાં મુદ્રકે ચુંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલું નિયત નમૂના મુજબનું એકરાર પત્ર બે નકલમાં પ્રકાશક પાસેથી મેળવવાના રહેશે. વધુમાં મુદ્રકે પણ ત્રણ દિવસમાં જિલ્લા ચુંટણી અધિકારી સમક્ષ પણ છાપેલા દસ્તાવેજોની નકલ સાથે રજુ કરવાની રહેશે. જો આ આદેશનો ભંગ કરનારને છ માસની સજા અથવા રૂપિયા 2000નો દંડ કરવામાં આવશે. જાહેરનામાની અમલવારી આગામી તારીખ 12મી, ડિસેમ્બર-2022 સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...