ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વસંતોત્સવમાં જ્યારે ‘મારા પ્રભુજીને બસે હો ગાવડી, મારા પ્રભુજીને પાણ સે પાકણી.!’ જેવો પ્રાચીન ગરબો ગવાયો તો શ્રોતાઓ અને દર્શકો ગુજરાતની આ પ્રાચીન લોકસંસ્કૃતિને જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. ભાવનગરના કાળાતળાવ ગામના જય બહુચરી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રાચીન ગરબાનું ગ્રુપ છેલ્લા 35 વર્ષથી ગુજરાતની વિસરાઈ રહેલી લોકસંસ્કૃતિ એવા પ્રાચીન ગરબા અને કાઠિયાવાડી રાસને લોકોના હૃદય સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે.
આ ટ્રસ્ટના ટ્રસ્ટી એન. ડી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ચુડાસમા પરિવાર તેમજ ગામના અન્ય સ્થાનિક લોકોની ગરબા પ્રીતિને કારણે પ્રાચીન ગરબાને જન જન સુધી પહોંચાડવાનો તેમનો યજ્ઞ અવિરત ચાલુ છે. એમના ગ્રૂપની બધી જ બહેનો સ્થાનિક છે તેમજ દેશી ઢબેથી ગરબો કરે છે. પ્રાચીન ગરબામાં ગવાતી રચનાઓ પણ પ્રાચીન હોય છે. જય બહુચરી શક્તિ ગ્રૂપના કલાકાર અને માર્ગદર્શક મિલન ચુડાસમાએ જણાવ્યું હતું કે, બહુચરમાની માંડવી લઈને રમતા મંડળના સભ્યોને અંત: સ્ફુરણા થઈ કે પ્રાચીન ગરબા આપણી ભવ્ય સંસ્કૃતિ છે. તે વિસરાઈ ન જાય તે માટે આગળ આવવું પડશે. તેથી સૌએ ભેગા મળી ગ્રુપ બનાવ્યું અને પછી સફર શરૂ થઈ. ગ્રૂપમાં યુવાનથી લઈને પ્રૌઢ મહિલાઓ તેમજ પુરુષો સહિતના લોકો ખૂબ જ જુસ્સાથી અને જોમથી ગરબો રમે છે. તળપદા કોળી સમાજના આ મંડળે પછી અલગ અલગ જગ્યાએ ગરબા રમવાનું શરૂ કર્યું.
ગરબાના તાલ અને લચક પણ પ્રાચીન ઢબની છે. જય બહુચરી શક્તિ ગ્રૂપના કલાકાર શ્યામુબેન ચુડાસમા કહ્યું કે આ ગ્રૂપનો હેતુ પ્રવર્તમાન ફેશનેબલ ગરબામાં ગુજરાતની ખરી ધરોહર સમાન પ્રાચીન ગરબા લુપ્ત ન થઈ જાય તે માટે તેનો વ્યાપ વધારવાનો છે.
પ્રાચીન ગરબો લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રગટે છે. આ નર્તનમાં સહિયારા સમાનવેગ, સમાન અંગભંગ, સમાન ગતિ, સમાન સ્ફૂર્તિ, હાથની તાળી અને હાથના હિલ્લોળની સાથે લયબદ્ધતા અને તલબદ્ધતા હોય છે. પ્રાચીન ગરબામાં ગીત, લય, સૂર અને તાલની મિલાવટ હોય છે. માત્ર તાળીઓના તાલ આપી સ્ત્રી પુરુષો ગોળાકારે ફરીને ગરબા કરે છે. પ્રાચીન ગરબાની પ્રસ્તુતિમાં સૌથી મહત્વનું અંગ પહેરવેશ છે. પ્રાચીન ગરબાના પહેરવેશમાં બહેનો હાથભરતનો ચણિયો, શિકલ બાવળિયાના ભરત સાથેનો કબજો, લાલ ઓઢણી, હાથમાં ચૂડલાં, ગળામાં માદડિયું, પગમાં કડલાં, માથે ટીકો વગેરે પહેરી ઝૂમી ઉઠે છે. પ્રાચીન ગરબાની મુખ્ય બાબત છે તેનો તાલ અને લય. પ્રાચીન ગરબામાં શરૂઆતમાં ચલતી હોય છે. દુહા છંદના આલાપ રાગથી નૃત્યની શરૂઆત થાય છે. જેમાં વાયુવેગે બહેનોનો પ્રવેશ થાય છે. આ બહેનો એટલી ગતિથી અને જુસ્સાથી ફુદરડી કરતી પ્રવેશે છે કે ત્યાં આજુબાજુ ઊભા વ્યક્તિઓને પવનનો અહેસાસ થાય.ત્યારબાદ ધીમી હીંચથી ગરબો શરૂ થાય છે. સંપૂર્ણ ગરબો હીંચતાલ પર ચાલે છે અને અંતમાં દ્રુતતાલ સાથે ચલતી દ્વારા ગરબાની પૂર્ણાહુતિ થાય છે. પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ દરમિયાન ચાર બહેનો ઢોલ શરણાઈ જેવાં પારંપરિક વાદ્યો સાથે ગરબો ગાય છે જેને રાસ રમતી અન્ય બહેનો ઝીલે છે.ગુજરાત રાજ્યકક્ષાની રાસ ગરબાની સ્પર્ધામાં જય બહુચરી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાળાતળાવના પ્રાચીન ગરબાના ગ્રૂપનો પ્રથમ નંબર આવ્યો હતો. વસંતોત્સવમાં આ સ્પર્ધામાં વિજેતાઓને પ્રસ્તુતિ માટે સીધો પ્રવેશ આપવામાં આવે છે. હાલ વસંતોત્સવ પ્રાચીન ગરબા જેવી વિવિધ લોકકલા- સંસ્કૃતિની પ્રસ્તુતિનું મહત્વનું માધ્યમ બની રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.