આંદોલન:ખેડૂતોનું આંદોલન હવે ગ્રામ સમિતિઓ સુધી લઇ જવાશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોનું આંદોલન લાંબુ ચાલશે તો સરકારને માઠા પરિણામ ભોગવવા પડશે

ખેડુતોને સમાન સિંચાઇ સમાન દર આપવાની માંગણી સાથે છેલ્લા દસ દસ દિવસથી વિરોધ આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં કોઇ જ નક્કર નિર્ણય કરવામાં નહી આવતા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુત આંદોલન હવે ગામડે ગામડે લઇ જવામાં આવશે. જો ખેડુતોના હિતમાં કોઇ નિર્ણય કરવામાં નહી આવે તો તેના માઠા પરીણામ સરકારે ભોગવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ખેતી માટે આપવામાં આવતી વિજળીને લઇને ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યા છે. ખેડુતોના હિતની સૂર્યોદય યોજના અંતર્ગત ખેડુતોને દસ કલાક વીજળી આપવામાં આવતી હતી.

પરંતુ સૂર્યોદય યોજનાનું બાળ મરણ કરી નાંખીને અનિયમિત વીજળી ખેતી માટે આપવામાં આવતા ખેડુતોની હાલત કફોડી કરી નાંખી છે. વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા સોલાર માટે કુસુમ યોજના ખેડુતો માટે લાવવામાં આવી છે. પરંતું તેમાં માત્ર 15 હોર્ષ પાવરની જ મર્યાદા હોવાથી ખેડુતોની હાલત એક સાંધતા તેર તૂટે તેવી બની રહે છે. ઉપરાંત સમાન સિંચાઇ સમાન દર કરવાની માંગણી ખેડુતોની નહી સંતોષવામાં આવતા ખેડુતો માટે પડ્યા ઉપર પાટુ મારવા જેવી બની રહી છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખેડુતો માટે સ્કાય યોજના લાવ્યા હતા.

સ્કાય યોજનાને રાજ્ય સરકારે બંદ કરીને તેને તે વિજળી ખેડુતોને બદલે ઉદ્યોગોને આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘે કર્યો છે.રાજ્યભરમાંથી ઉમટી પડેલા ખેડુતોએ છેલ્લા આઠ દિવસથી ગાંધીનગરમાં વિરોધ કાર્યક્રમો કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ જ નક્કર નિર્ણય લેવામાં નહી આવતા ખેડુતોનો વિરોધ હવે ગ્રામ્ય કક્ષાએ લઇ જવામાં આવશે. જેના ભાગરૂપે શનિવારે જિલ્લાના માણસા, કલોલ, દહેગામ સહિતના માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત નગરના માર્ગ ઉપર ખેડુતોએ ટ્રાફિક જામ કરીને ચક્કાજામ કરીને વિરોધ કર્યો હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...