વિધાનસભામાં ભાજપના જ ધારાસભ્યો અને સરકાર વચ્ચે સંકલનનો રીતસરનો અભાવ દેખાઇ રહ્યો છે અને સરકાર મુશ્કેલીમાં મૂકાય તેવા મુદ્દાઓ ભાજપના જ ધારાસભ્યો ઉઠાવતા જોવા મળે છે. ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે નદી પ્રદૂષણનું બિન સરકારી બિલ વિધાનસભામાં દાખલ કર્યું હતું જેની ચર્ચા થવાની હતી પરંતુ ચર્ચા થવાના સમયે જ અમિત શાહ ગૃહમાંથી ગૂમ થઇ ગયા હતા જેથી આ મામલે ચર્ચા થઇ શકી ન હતી. કોંગ્રેસે સાબરમતી નદીના પ્રદૂષણ મામલે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી હતી પરંતુ સમયસૂચકતા વાપરીને અમિત શાહ ગાયબ થઇ જતાં બિલ ચર્ચામાં આવ્યું ન હતું.
અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને સરકારને પણ કડક શબ્દોમાં પગલાં લેવા આદેશ કર્યા છે ત્યારે ભાજપના ધારાસભ્ય અમિત શાહે ગુજરાત પાણી પ્રદૂષણ નિવારણ અને નદીઓના શુદ્ધિકરણ વિષય પર બિનસરકારી વિધેયક વિધાનસભામાં દાખલ કરાવ્યું હતું. આ જ પ્રકારે ભાજપના ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ પણ ગુજરાત જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવા અંગેનું બિન સરકારી વિધેયક દાખલ કરાવ્યું હતું પરંતુ તેઓ ચર્ચા સમયે ગેરહાજર રહ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.