રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પોતાના વિભાગના બજેટ ફાળવણી પહેલા યોજના અંગેની ચર્ચાઓ માટે પશુપાલકોનો અભિપ્રાય લેવા માટે એક બેઠક બોલાવી હતી. જોકે, મંત્રીએ રાજ્યના સાચા પશુપાલકોને બદલે રાજકારણ સાથે સંકળાયેલા માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હોવાનો આક્ષેપ થયો છે. આ આક્ષેપ માલધારી સમાજના જ કેટલાક લોકોએ કર્યો છે.
સમાજે માગણી કરી છે કે, મંત્રી વાસ્તવમાં તેમના પ્રશ્નનો ઉકેલ લાવવા માગતા હોય તો તટસ્થ પશુપાલકો સાથે વાતચીત કરવી જોઈએ. આ બેઠકમાં મંત્રીએ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાજપ અથવા તેની ભગિની સંસ્થાઓ સાથે સંકળાયેલા કેટલાક નેતાઓને બોલાવીને આ બેઠક આટોપી લીધી હતી. જેમાં પશુપાલકોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે રાજ્ય સરકારની યોજનાઓ અંગે સમજૂતી આપીને તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા.
રાઘવજી પટેલે સરકારની ચાલુ યોજનાઓ પૈકી પશુઓ માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તથા હેલ્પ લાઈન નંબર 1962, મોબાઈલ, વેટરનરી ક્લિનિક અને અન્ય યોજનાઓ માટેની નાણાકીય જોગવાઈનો ઉલ્લેખ અહીં કરાયો હતો. ગુજરાત માલધારી સમાજના પ્રવકત્તા નાગજી દેસાઇએ જણાવ્યું હતું કે, મંત્રીએ પોતાના માનીતા લોકોને બોલાવીને માલધારી સમાજ સાથે છળ કર્યું છે. આ પદ્ધતિથી સમાજના લોકોના પ્રશ્નનો ઉકેલ નહીં આવે. હજુ પણ આગામી સમયમાં મંત્રી ગુજરાત માલધારી સમાજને સાથે રાખીને બજેટ અને અન્ય બાબતો સંદર્ભે ચર્ચા કરે તેવી માગણી અમે કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.