મેયર સત્તાવાર બંગલે રહેવા જશે:ગાંધીનગરના સેક્ટર-19માંનું મેયરનું નિવાસસ્થાન આવતીકાલથી ગુંજશે, લાખોના ખર્ચે બંગલાનું રિનોવેશન કરાયું

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેયર હિતેશ મકવાણા આવતીકાલથી પોતાના સત્તાવાર નિવાસસ્થાને રહેવા જશે
  • અત્યાર સુધીના ચાર મેયરમાંથી એકપણ સત્તાવાર નિવાસસ્થાને રહેવા ગયા નથી
  • બંગલામાં સત્યનારાયણની કથા તેમજ જમણવાર પણ યોજવામાં આવ્યો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા પછી અત્યાર સુધીમાં ગાંધીનગરના એકપણ મેયર પોતાના સત્તાવાર નિવાસસ્થાને રહેવા માટે ગયા ન હતા. ત્યારે હવે આટલા વર્ષો પછી ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા હમણાં જ લાખોના ખર્ચે રીનોવેશન કરવામાં આવેલા પોતાના સત્તાવાર નિવાસસ્થાને રહેવા જવાના છે. જે પહેલા બંગલામાં સત્યનારાયણની કથા તેમજ જમણવાર પણ યોજવામાં આવ્યો છે.

બીજા મેયર તરીકે હંસાબેન મોદીની વરણી થઈ હતી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કર્યા પછી યોજાયેલ ચુંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી જીત મેળવી હતી. એ વખતે કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણાએ બળવો કર્યો હતો અને છેલ્લી ઘડીએ મહેન્દ્રસિંહ રાણા, હંસા મોદી અને સુભાષ પાંડવ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ તડજોડની રાજનીતિથી ભાજપ કોર્પોરેશનમાં સત્તારૂઢ થયું હતું. આમ મૂળ કોંગ્રેસી એવા મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગરના સૌ પ્રથમ મેયર તરીકે કોર્પોરેશનના સિંહાસન પર બેઠા હતા. અને ડેપ્યુટી મેયર તરીકે સુભાષ પાંડવની નિમણૂંક થઈ હતી. જેનાં અઢી વર્ષ પછી બીજા મેયર તરીકે હંસાબેન મોદીની વરણી થઈ હતી.

પ્રવીણ ક્વોલિટી ગાંધીનગરના ત્રીજા મેયર બન્યા હતા

જે બાદ ફરીવાર કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. ભાજપ કોંગ્રેસના રસાકસી ભરી ચુંટણી જંગમાં ગાંધીનગરની પ્રજાએ ફરીવાર કોંગ્રેસ ઉપર જીતનો કળશ ઢોળ્યો હતો. ત્યારે છેલ્લી ઘડીએ ક્વૉલિટીના હુલામણા નામથી જાણીતા પ્રવીણ પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહ્યા હતા. અને આ વખતે પણ ભાજપે તડજોડથી ફરીવાર મનપામાં સત્તા હાંસલ કરી હતી. જેનાં ફળસ્વરૂપ પ્રવીણ ક્વોલિટી ગાંધીનગરના ત્રીજા મેયર બન્યા હતા.

સેક્ટર-19માં આવેલા સત્તાવાર મૅયર બંગલામાં રહેવા જશે

જો કે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જનાર ઉપરોક્ત એકેય દિગ્ગજ નેતાને હાલમાં ભાજપ ભાવ પણ આપતું નથી એવું ભાજપ કોંગ્રેસમાં ચર્ચાઓ છાશવારે થતી રહેતી હોય છે. જે પછી અઢી વર્ષ માટે રીટાબેન પટેલની મેયર તરીકે નિમણૂંક થઈ હતી. આમ ભાજપે ભલે તડજોડની નીતિથી સત્તા હાંસલ કરી હોય પરંતુ ભાજપના એક પણ મેયર અત્યાર સુધીમાં પોતાના સેક્ટર-19માં આવેલા સત્તાવાર મૅયર બંગલામાં રહેવા ગયા નથી.

સત્યનારાયણની કથા તેમજ ભોજન સમારંભ રાખવામાં આવ્યો

વર્ષોથી તડજોડની નીતિથી સત્તામાં રહ્યા પછી આ વખતે યોજાયેલી કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ હાંસલ કરીને ઈતિહાસ રચી દઈ વિપક્ષની પણ જગ્યાનો અવકાશ રાખ્યો નથી. આમ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવતાં ભાજપના હિતેશ મકવાણા ગાંધીનગર મેયર તરીકે હાલમાં શાસન સંભાળી રહ્યા છે. ત્યારે આટલા વર્ષોથી ગાંધીનગરના એકપણ મેયર પોતાના સત્તાવાર બંગલામાં રહેવા ગયા નથી. પરંતુ હવે મેયર હિતેશ મકવાણા આવતીકાલથી શનિવારથી સેક્ટર-19 માં લાખોના ખર્ચે રીનોવેશન કરવામાં આવેલા નિવાસસ્થાને રહેવા જવાના છે. જે પહેલા સત્યનારાયણની કથા તેમજ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...