હરીયાળા પાટનગરમાં પણ હીટવેવની અસર જોવા મળી રહી હોય તેમ મહત્તમ પારો 44.9 ડીગ્રીએ પહોંચ્યો છે. પરંતુ લોકોને ગરમીનો અહેસાસ 48 ડીગ્રી જેટલો થઇ રહ્યો છે. હિટવેવને પગલે નગરનું લઘુત્તમ તાપમાન પણ 28.3 ડીગ્રી નોંધાયું છે. રાજ્યના પાટનગરને સ્માર્ટ સીટી બનાવવાની દોડમાં પર્યાવરણનો ખુડદો બોલાઇ રહ્યો છે. જેને પરિણામે નગરના માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે.
માર્ગ પહોળા કરવામાં હજારો વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યા છે. આથી ઓક્સિજનનું ઉત્પાદન કરતા વૃક્ષોની સંખ્યા ઘટતા ગરમીએ સ્થાન જમાવ્યું છે. ઉપરાંત સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ડસ્ટ ફ્રી શહેર બનાવવા માટે ઠેર ઠેર બ્લોક નાંખવામાં આવી રહ્યા છે. સેક્ટરોની સોસાયટીના કોમન પ્લોટમાં, મકાનની બહાર, શોપીંગ સેન્ટરો, ફુટપાથ, રોડની વચ્ચે ડિવાઇડર ઉપર સહિતના સ્થળોએ બ્લોક નંખાયા છે.
જેને પરિણામે સરકારી ચોપડે કહેવાતુ હરીયાળુ શહેર અગન ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. હરીયાળું નગર પણ હિટવેવની ઝપટમાં આવી જવા છતાં પર્યાવરણને બચાવવા માટે વૃક્ષોના રોપાની વાવણી કરીને તેને ઉછેરવા માટે નક્કર કોઇ જ પ્રકારનું આયોજન કરવાને બદલે સંપુર્ણ જવાબદારી વન વિભાગ ઉપર ઠોકી બેસાડવામાં આવી છે.
હિટવેવની અસરને પગલે નગરનું મહત્તમ તાપમાન 44.9 ડીગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.3 ડીગ્રી નોંધાયું છે. જ્યારે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 57 ટકા અને સાંજે 17 ટકા નોંધાયું છે. ગરમીને પગલે હરીયાળા નગરના વાતાવરણમાં ભેજના પ્રમાણમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાઇ રહ્યો છે.
નગરવાસીઓને નોંધાયેલા તાપમાન કરતા મહત્તમ તાપમાન પાંચ ડીગ્રી વધારે હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. તેની પાછળ ગાડીઓ, કચેરીઓ, ઘર, દુકાન સહિતની જગ્યાએ વપરાતા એસી, વાહનોનો બેફામ ઉપયોગ સહિતના કારણોસર ગરમીનો અનુભવ વધારે થતો હોય તેમ લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.