ગાંધીનગરમાં યુવકની હત્યાનો મામલો:મુખ્ય સૂત્રધાર માનવ પવાર ભણવામા ખૂબજ હોશિયાર હતો, માતા-પિતાના નિધન બાદ એકલો રહેતો હતો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાનું મકાન ભાડા પર આપી છાપરામાં રહેવા ચાલ્યો ગયો હતો

ગાંધીનગરના સેકટર - 27 માં લૂંટના ઈરાદે ગાંધીનગરની પંચતારક "લીલા" હોટલનાં કર્મચારીની હત્યા કરનાર ચાર લુંટારુ પૈકીનો મુખ્ય સૂત્રધાર માનવ પવારના માતા-પિતા અવસાન પામ્યા છે. જે કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ પણ કરતો હતો. પરંતુ માતાપિતાનાં અવસાન પછી ગાંધીનગરનાં વાવોલમાં આવેલો ફ્લેટ ભાડે આપી સેકટર - 13 નાં છાપરામાં રહેવા લાગ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ગાંધીનગરના સેકટર - 27 માં ભાડાના મકાનમાં રહેતા મૂળ વડોદરાના દેવાંશ ભાટિયાની ગત. તા.8 મી ઓક્ટોબરે સેકટર - 27 ના બગીચા પાસે નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. ગાંધીનગરની પંચતારક લીલા હોટલમાં રૂ. 13500 ના પગારથી રિસેપ્શન પર નોકરી કરનાર દેવાંશ ઘટનાનાં દિવસે અમદાવાદ સગાના ઘરે ગયો હતો.

જે રાત્રીના સમયે પથિકાશ્રમ આવીને રીક્ષામાં બેસવાનો હતો. જો કે રિક્ષાનું ભાડું રૂ. 80 હોવાથી તે રિક્ષામાં બેઠો ન હતો. અને ઘ - 5 શિવાસ કાફે પહોંચ્યો હતો. જ્યાં તેણે 12 મિનિટ સુધી કોફી પણ પીધી હતી. એ સમયે માનવ ઉમેશભાઇ પવાર (રહે. સેકટર-૧૩ ના છાપરા), આશીષ મહેશભાઇ સોલંકી (રહે. પ્લોટ ન 501/1,સેકટર-13/એ) ઘનશ્યામ ઉર્ફે કાળુ નારણભાઇ કાનાણી (રહે. પ્લોટ નં 406/1 સેકટર-13/એ) તેમજ કાયદાના સંધર્ષમાં આવેલ 17 વર્ષીય કિશોર ચા પીધા પછી શિકારની શોધમાં ફરી રહ્યા હતા.

જેઓની નજર દેવાંશ પર પડી હતી. અને અડધી રાત્રે એકલા જઈ રહેલા દેવાંશ તેમનું સોફ્ટ ટાર્ગેટ હતું. સામાન્ય રીતે શિવાસ કાફે નિયમિત રાત્રે બાર વાગે બંધ થઈ જતું હોય છે. પણ તે દિવસે કોઈ કારણોસર કાફે ખુલ્લું હતું. જ્યાં દેવાંશ રેગ્યુલર જતો હોવાથી કાફે ખુલ્લું જોઈને ત્યાં કોફી પીવા બેઠો હતો. બાદમાં ચાલતી પકડી આગળ જતાં રૂ. 40 ના ભાડામાં રીક્ષા મળી જતાં તેમાં બેસી ગયો હતો. જેની પાછળ ચારેય લુંટારુઓ બાઈક લઈને પીછો કર્યો હતો. જેનો અંદાજ દેવાંશને પણ આવી ગયો હતો. પરંતુ તેણે બહુ ધ્યાન આપ્યું ન હતું. જો કે બનાવના થોડા દિવસો અગાઉ ઘ - 5 પાસે દેવાંશને ચા ના પૈસા આપવા બાબતે હત્યારાઓ સાથે માથાકૂટ થઇ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

બાદમાં દેવાંશ સાંઈબાબાના મંદિર તરફથી સેકટર - 27 તરફ જતા વેરાન એરિયામાં ઉતરી ગયો હતો. કેમ કે અહીંથી થોડેક દૂર તેનું ઘર આવેલું છે. ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં સ્થાનિકો પણ રાત્રીના સમયે નીકળવાનું ટાળતા હોય છે એ વેરાન એરિયામાં દેવાંશ સંજોગોવસાત પહોંચી ગયો હતો. તે ચાલતો જતો હતો એ સમયે ચારેય લુટારુ તેની પાસે પહોંચી ગયા હતા. અને મોબાઈલ ચાલુ હોવાનો ડોળ કરીને દેવાંશને સરનામું પૂછયું હતું. ત્યાં સીધું દેવાંશને હત્યારાઓનો મલિન ઈરાદો ખ્યાલ ન હતો. બાદમાં થોડેક આગળ જતાં લુંટારુઓએ જે કઈ હોય તે આપી દેવાનું કહી તેના ખિસ્સામાં હાથ નાખ્યો હતો. આથી સ્થિતિ પારખી ગયેલાં દેવાંશ સાથે ઝપાઝપી થઈ હતી અને તેની છાતીના ભાગે છરીથી હૂમલો કરાયો હતો. જેનાં કારણે દેવાંશ ચીસ પાડી ઉઠયો હતો. એટલામાં 20 વર્ષીય માનવ પવારે તેને ગળાના ભાગે છરી હુલાવી દીધી હતી. જેથી તે બૂમો પાડી ન શકે. બાદમાં તેનું પર્સ સહિતની ચીજો લૂંટીને નાસી ગયા હતા.

ત્યારે માનવ પવારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, માનવ ના માતા પિતા સેકટર - 11 હવેલી હોટલમાં નોકરી કરતા હતા. જેની માતાનું કેન્સરમાં મૃત્યુ થયું હતું. બાદમાં પિતા પણ અવસાન પામ્યા હતા. માનવ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતો હતો. જે ભણવામાં ઘણો હોશિયાર હતો. હાલમાં તેણે ધોરણ - 12 સુધીનો અભ્યાસ કરેલો છે.

માતા-પિતાના અવસાન પછી તેની નાની તેમજ મામા માનવના સંપર્કમાં હતા. જો કે માનવનાં નજીકના સ્નેહીજનો મૃત્યુ પામ્યા છે. એક સગા હતા એ પણ હમણાં કોરોનામાં મોતને ભેંટયા છે. ભણવામાં હોશિયાર માનવ માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી માતા-પિતા સાથે રહેતો હતો તે મકાન તેણે ભાડે આપી દીધું હતું. અને પોતે સેકટર - 13 નાં છાપરામાં રહેવા જતો રહ્યો હતો. માનવ તેની નાનીની વાત પણ માનતો ન હતો જેના કારણે વર્ષ 2014 માં નાનીએ દૂરના સગાને પણ વાત કરીને માનવને આડા રસ્તે જતા રોકવા કહ્યું હતું.

પરંતુ ત્યાં સુધીમાં માનવ પવાર નાના નાના ગુન્હા કરવા માંડ્યો હતો અને બહુ મોડું થઈ ગયું હતું. એમાંય વળી સેકટર - 13 નાં ઝુંપડા વિસ્તારમાં ખોટી સંગતનાં કારણે તે નશો પણ કરવા લાગ્યો હતો. હાલમાં તેણે તેના મકાનનું શું કર્યું છે તેના દૂરના સગાને પણ ખબર નથી. જેનાં વિરુદ્ધ સ્થાનિક પોલીસમાં પણ ગુનો નોંધાયેલ છે. હાલમાં તો પોલીસ તેના રિમાન્ડ મેળવીને સમગ્ર હકીકત બહાર લાવવા માટેની કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...