ધમકીઓ આપી લૂંટ ચલાવી:ગાંધીનગરમાં શ્રમજીવી મહિલાને કામ અપાવવાની લાલચે ખેતરમાં લઈ જઈ રૂ. 2.36 લાખની મત્તાની લૂંટ ચલાવી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલવડાના શખ્સે ખેતરમાં લઈ જઈ કપડાં ખેંચી ધાક ધમકી આપી લૂંટ ચલાવી
  • કામની લાલચમાં મહિલાને આરોપીએ આખો દિવસ છોટા હાથીમાં ફેરવી
  • વાવોલના ખેતરમાં લઈ જઈ આરોપીએ દાગીના, રોકડ રકમ અને મોબાઈલ લૂંટી લીધા

ગાંધીનગરના સેકટર-25 જીઆઈડીસી ખાતે રહેતી મહિલાને કોલવડાના શખ્સે મજૂરી કામ અપાવવાની લાલચ આપી આખો દિવસ છોટા હાથીમાં ફેરવી હતી. તેમજ સાંજ પડતાં જ મહિલાને વાવોલના નાળિયા પાસેના ખેતરમાં લઈ જઈ કપડાં ખેંચી બદનામ કરવાની ધમકીઓ આપીને માર મારી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.36 લાખની મત્તા લૂંટી લીધી હોવાની ફરિયાદ સેકટર-21ના પોલીસ ચોપડે દાખલ થવા પામી હતી.

ગાંધીનગરના સેકટર-25 ખાતે રહેતી મહિલા છૂટક મજૂરી કામ કરે છે. તેમજ તેમના પતિ કડિયા કામ કરે છે, એક દીકરો રીક્ષા ચલાવે છે અને બીજો દીકરો ડ્રાઇવરની નોકરી કરે છે. ઘરમાં આર્થિક સંકળામણ રહેતાં મહિલા અઠવાડિયા અગાઉ મજૂરી કામની શોધમાં હતાં. એ સમયે કોલવડાનો રણજીત દંતાણી છોટા હાથી લઈને તેમની પાસે આવ્યો હતો અને કામ અપાવવાનું કહી મહિલાનો મોબાઇલ નંબર લઈને જતો રહ્યો હતો. બાદમાં રણજીતે ચાર-પાંચ વખત મહિલાને ફોન પણ કર્યા હતા. ત્યારે ગત તા. 12મી નવેમ્બરના રોજ રણજીતે એક ફાર્મ હાઉસમાં સાફ સફાઈનું કામ હોવાનું કહી મહિલાને સધી માતાનાં મંદિરે બોલાવી છોટા હાથીમાં લઈ ગયો હતો અને બે-ત્રણ ફાર્મ હાઉસ બતાવવા માટે આખો દિવસ મહિલાને લઈને ફરતો રહ્યો હતો.

આ દરમિયાન શખ્સ રસ્તામાં છોટાહાથીમાં પંક્ચર પડતાં રિક્ષામાં મહિલાને વાવોલ નજીક નાળિયામાં ખેતરના રસ્તે લઈ ગયો હતો. આસપાસ કોઈ નહીં દેખાતાં રણજીતે મોકાનો લાભ ઉઠાવી મહિલાને બેસી જા અને તેણે પહેરેલા દાગીના આપી દેવાની ધમકી આપી ગળચી પકડી માર માર્યો હતો. જેનાં માટે મહિલાએ ના પાડતાં રણજીત તેમનાં કપડાં ખેંચીને જારના ખેતરમાં લઈ ગયો હતો અને તેમને બદનામ કરવાની ધમકીઓ આપી હતી. જેથી મહિલા ગભરાઈ ગયાં હતાં અને રણજીતે તેમના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી નંગ-2, સોનાના કાનનાં વેડલા નંગ - 5, ચાંદીના કડલાં- 2 તેમજ બ્લાઉઝમાંથી રૂા. 500 રાખેલું પર્સ અને મોબાઇલ ફોન લૂંટી લઈ નાસી ગયો હતો. બાદમાં મહિલા રોડ પર આવી નજીકની દુકાન વાળાને સઘળી હકીકત વર્ણવી ઘરે પહોંચ્યા હતા.

જ્યાં તેમના પતિએ દાગીના તેમજ ઈજાઓ વિશે પૂછતાં ડરી ગયેલાં મહિલાએ સૌપ્રથમ તો દાગીના એક ભાઈને દવાખાનાનો ખર્ચો આવ્યો હોવાથી આપ્યાં હોવાના અને રસ્તામાં પડી જવાથી ઈજાઓ થઈ હોવાની કહાની વર્ણવી હતી. પરંતુ બાદમાં હિંમત કરીને પોતાના પતિને જાણ કરી હતી. જેથી આ અંગે પછી મહિલાએ ફરિયાદ આપતાં સેકટર-21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...