પાટનગરમાં તસ્કરો પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. એક પછી એક અલગ અલગ સેક્ટરમાં આવેલા મકાનને ટાર્ગેટ કરી રહ્યા છે. તસ્કરો માટે વીઆઇપી સેક્ટરને પણ બાકાત રાખવામાં આવતા નથી. સેક્ટર 8માં આવેલા કોસ્ટગાર્ડના ઇન્ચાર્જ કમાન્ડન્ટના બંધ મકાનને ટાર્ગેટ કરાયુ હતુ. ઘરના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. પરંતુ મકાન માલિક ઘરે નહિ હોવાથી ચોરી કેટલી થઇ તે જાણી શકાયુ નથી. આ બનાવને લઇ સેક્ટર 7 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ઉદ્યોગ ભવન ખાતે આવેલી કોસ્ટ ગાર્ડની કચેરીમાં ઇન્ચાર્જ કમાન્ડન્ટ રુચિ પ્રિયા સેક્ટર 8માં ભાડાના મકાનમાં રહે છે, જે હાલમાં તેમના વતન દેહરાદુન ગયેલા છે. ત્યારે ઘરે કામ કરતા મહિલા સાફ સફાઇ કરવા ગયા હતા. તે દરમિયાન મહિલાએ ઘરનો દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં જોયો હતો. જેથી મહિલાએ મહિલા અધિકારીને ફોન કરીને ઘરનુ તાળુ તુટેલુ હોવાનું જણાવ્યું હતું.
પરિણામે મહિલા અધિકારીએ તેમની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીને જાણ કરતા તે દોડી ગયા હતા અને મકાનની અંદર જઇને જોતા ઘરમાં રહેલો સામાન અસ્તવ્યસ્ત જોયો હતો. જેથી કોસ્ટગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ તેમના અધિકારીના ઘરમાં ચોરી થઇ હોવાની સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, મકાનમાંથી કેટલી માલમત્તા તસ્કરો લઇ ગયા છે, તેની સાચી માહિતી મહિલા અધિકારીના આવ્યા પછી જ સામે આવી શકે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા ચાર દિવસથી એક પછી એક ચોરીના બનાવ સામે આવી રહ્યા છે. તમામ ચોરી બંધ મકાનમાં થઈ હોવાનુ સામે આવ્યુ છે.પાટનગરમાં અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે તેના કારણે શહેરીજનોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળે છે પોલીસ આ બાબતે તપાસ ચલાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.