બરડો ડુંગર નવું ‘સિંહ સદન’ બનશે:પ્રોજેક્ટ લાયન હેઠળ સિંહની સીમા વધશે, યોજનાને ટૂંક સમયમાં અંતિમ ઓપ

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિનેશ જોષી
  • કૉપી લિંક
  • હાલ રાજ્યના 20 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહ

પોરબંદર નજીકનો પ્રસિદ્ધ બરડો ડુંગર ટૂંક સમયમાં સિંહનું નવું સત્તાવાર નિવાસસ્થાન બનશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટ લાયન હેઠળ સરકારે બરડો ડુંગરમાં સિંહોનો વસવાટ વધારવા માટેની યોજનાને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવાળી બાદ આ યોજનાને અમલી બનાવાશે. હાલ પણ બરડામાં સિંહોની ઉપસ્થિતિ છે. પણ હવે અહીં સુવિધાઓ વધારવામાં આવશે. છેલ્લાં 50 વર્ષથી બરડો ડુંગર સિંહનું બીજું ઘર હશે તેવું કહેવાય છે, પણ આ ડુંગરને સત્તાવાર રીતે વન વિભાગ દિવાળી પછી સિંહનું ઘર બનાવશે તેમ વન વિભાગના સૂત્રોનું કહેવું છે. આ બાબતે જણાવતા રાજ્યના વનમંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું હતું કે, કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્રસિંહ યાદવ તાજેતરમાં સાસણગીરની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે બરડા ડુંગરને સિંહનું બીજું ઘર બનાવવાને અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા થઇ હતી.

કેન્દ્રિય વનમંત્રી ભૂપેન્દ્રસિંહ યાદવ તાજેતરમાં સાસણગીરની મુલાકાતે આવ્યા હતા. તેમણે આ મુલાકાત દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ધ લાયન બાબતે ચર્ચા કરી હતી. આ ચર્ચા અંતર્ગત એવી બાબત પણ ચર્ચાઇ હતી કે, બરડા ડુંગરમાં સિંહના વસવાટને ચાલુ કરી દેવો. વન વિભાગના સૂત્રોના કહ્યા પ્રમાણે બરડા ડુંગરમાં સિંહના વસવાટ કરવા માટે કયો સમય પસંદ કરવો, કેટલી સંખ્યામાં સિંહને રાખવા, સિંહ માટે કેવા પ્રકારની સુવિધા અને કયાં કયાં કરવી સહિતની બાબત નક્કી કરવાની બાકી છે. આથી દિવાળી પછી સિંહના વસવાટ કરવા માટે બરડો ડુંગર હજુ તૈયાર થશે તેમ વનવિભાગના સુત્રોનું કહેવું છે.

બરડો 343 કિમી ફેલાયેલો અને ગીરથી 80 કિ.મી.દૂર છે બરડો ડુંગરમાં અત્યારે સિહ વસવાટ કરતા નથી. રાજકોટથી પોરબંદર જતી વખતે રસ્તામાં બરડા ડુંગર આવે છે. આ ડુંગરમાં અત્યારે સિંહનો જતા નથી તેવું વનવિભાગના સુત્રોનું કહેવું છે,પણ ડેવલપ કર્યા પછી ત્યાં સિંહનો વસવાટ થઇ શકે છે. આ માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ તેનો પ્રથમ અહેવાલ આપી દીધો છે અને તેના પર નિર્ણય લેવાયા પછી દિવાળી પછી સિંહને બરડામાં વસવાટ કરવા માટે મોકલવાની ગણતરી વન વિભાગની છે.

ગીર હવે ગ્રેટર ગીર, સિંહોની સંખ્યા વધીને 736 થઈ
વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર સાસણ ગીરમાં જ સિંહ છે તેવું નથી. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, ખાંભા, રાજુલા,મહુવા, જેસર, ગારીયાધાર, પાલિતાણા, મહુવા સહિતના વિસ્તારમાં સિંહ આવી ગયા છે. ગુજરાતમાં 20 હજાર સ્ક્વેેર કિલોમીટરમાં સિંહ વસવાટ કે આવનજાવન કરે છે તેવું વન વિભાગના સૂત્રોનું કહેવું છે. સિંહની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા અવલોકન પ્રમાણે ગુજરાતમાં 736 સિંહ છે.

બરડો 1972થી સિંહોનું ઘર જાહેર
બરડા ડુંગરને 1972માં નોટિફિકેશન જાહેર કરીને સિંહના બીજા ઘર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.પણ તેના તરફ દુર્લક્ષ રાખીને તેને સત્તાવાર સિંહના ઘર તરીકે વિકસાવવામાં આવ્યું નથી. હવે કેન્દ્રિય મંત્રી યાદવ આવ્યા પછી તેને આગામી દિવાળી પછી સત્તાવાર સિંહના નિવાસ સ્થાન તરીકે વિકસાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...