તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શકમંદ પ્રેમી પંખીડા:ગાંધીનગર સિવિલમાંથી બે મહિના અગાઉ અપહરણ થયેલા બાળકનું ફરીવાર અપહરણ થતા ચકચાર મચી

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પોલીસે નવજાત બાળકને મહેસાણાનાં પ્રેમી પંખીડા પાસેથી બચાવ્યો હતો
  • બે મહિના પછી ફરી એજ બાળકનું રહસ્યમય રીતે અપહરણ થયું

આજથી બે મહિના અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ થયા બાદ ગઈકાલે ફરીવાર એજ બાળકનું અપહરણ અડાલજ પોલીસ મથકની હદમાંથી થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. નોંધનીય છે કે બાળક અપહરણ પ્રકરણમાં એ વખતે ગાંધીનગર પોલીસે રાતદિવસ એક કરીને બાળકનું અપહરણ કરનાર મહેસાણાના પ્રેમી પંખીડાને પાલનપુરથી ઝડપી લઈને બાળકનું તેની માતા સાથે મિલન કરાવી આપ્યું હતું. ત્યારે ફરીવાર એજ બાળકનાં અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ ગઈ છે.

નર્સ તરીકેની ઓળખ આપી અજાણી મહિલા ફરાર થઈ

એપ્રિલ મહિનામાં ગાંધીનગર સિવિલમાં હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ કરી નર્સ તરીકેની ઓળખ આપી અજાણી મહિલા ફરાર થઈ જતા સેકટર -7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે 12 અલગ અલગ ટીમો બનાવીને 200 CCTV ફુટેજ તેમજ 500 જેટલા રીક્ષાચાલકોની ઉડાણપૂર્વકની પૂછપરછ કર્યા બાદ ફળદાયી હકીકત મળતા બાળકના અપહરણની ઘટનાને અંજામ આપનાર મહેસાણાના પ્રેમી પંખીડાને પાલનપુરથી ઝડપી લઈને બાળકને તેની માતા સાથે મિલન કરાવી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાહતનો દમ લીધો હતો.

મહિલા અભણ દંપતિ પાસે આવીને પોતે નર્સ હોવાની ઓળખ આપી

ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહેતા મૂળ રાજસ્થાનના રાકેશ મીઠુંનાથ કાલબેલિયાની પત્ની ગાયત્રીને પ્રસુતિની પીડા ઉપડતાં ગત તારીખ 28 માર્ચના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ગાયત્રીએ દિકરાને જન્મ આપ્યા બાદ 31 માર્ચના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન એક અજાણી મહિલા અભણ દંપતિ પાસે આવીને પોતે નર્સ હોવાની ઓળખ આપી હોસ્પિટલમાંથી બાળકની દેખરેખ માટે ઘરે આવતી હોવાનું જણાવી ખિલખિલાટ વાનમાં બેસી ગઈ હતી. અને બીજા દિવસે બાળકનું ચેકઅપ કરવાં માટે લઈ આવી સિવિલ હોસ્પિટલથી બાળકનું અપહરણ કરી ફરાર થઈ જતાં સેકટર -7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અસ્મિતા અને પ્રેમી જીગ્નેશની ધરપકડ કરી

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ LCB-1,LCB-2,SOG અને સેક્ટર-7 સહિતના પોલીસ જવાનોની અલગ - અલગ બાર ટીમોને એક્ટિવ કરી આરોપીઓ બનાસકાંઠાના વડગામ તાલુકાના વગદા ગામે હોવાની માહિતી મળતા જ બે ટીમ બાતમી વાળા ખેતરે તાબડતોડ દોડી ગઈ હતી. અને અપહરણ કરનાર મહિલા તેમજ તેના પ્રેમીને ઝડપી લઈ બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો. એલસીબીએ મહેસાણા કડી તાલુકાના રાજપુર ગામના અસ્મિતા ડાયાભાઈ ભારતી 30 વર્ષ તેમજ તેના પ્રેમી જીગ્નેશ જગદીશ ભારથીની ધરપકડ કરી હતી.

પ્રેમીની પુત્રની ઘેલછાનાં કારણે ગુનાને અંજામ આપ્યો

જેમની ઉડાણપૂર્વકની પૂછપરછ કરતા અસ્મિતાને તેના પતિથી ચાર સંતાનો તેમજ તેના પ્રેમી જીગ્નેશને પણ પહેલી પત્નીથી ત્રણ દિકરીઓ હોવાની હકીકત બહાર આવી હતી. બંનેને પોત પોતાના પતિથી પત્નીને મનમેળ ના આવતા લગ્નનો અંત લાવ્યો હતો. અને ફૂલહાર કરીને પતિ પત્નીની જેમ જ રહીને નવેસરથી ઘર માંડયું હતું. પ્રેમી પંખીડા અગાઉના લગ્નજીવનનો અંત લાવ્યા બાદ નવેસરથી ઘરસંસાર માંડ્યો હતો. બાદમાં પ્રેમીની પુત્રની ઘેલછાનાં કારણે અસ્મિતાએ ઉપરોક્ત ગુનાને અંજામ આપ્યો હતો.

પ્રેમી પંખીડાને અત્યારે પોલીસ મથકમાં તપાસ અર્થે બોલાવ્યા

ત્યારે ગઈકાલે શનિવારે પણ બે માસ આઠ દિવસના બાળકનું ફરીવાર અપહરણ થયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. આ અંગે અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવએ જણાવ્યું હતું કે, અગાઉ પણ ગાંધીનગર સિવિલમાંથી બાળકનું અપહરણ થયું હતું. જેનો હેમખેમ છુટકારો થયા બાદ પ્રેમી પંખીડાને ઝડપી લેવામાં આવ્યા હતા. જેનાં પગલે જામીન પર છુટી ગયેલા બન્ને પ્રેમી પંખીડાને અત્યારે પોલીસ મથકમાં તપાસ અર્થે બોલાવી પૂછપરછ ચાલી રહી છે. ભુતકાળમાં ઉક્ત ગુનાને અંજામ આપ્યા બાદ બન્ને જામીન પર છુટી ગયા હતા. જેનાં પગલે હાલનાં અપહરણના ગુનામાં પણ તેમની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...