તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ બ્રાન્ચની સફળતા:ગાંધીનગરમાંથી અપહરણ થયેલુ બાળક રાજસ્થાનથી મળ્યું, પોલીસે 500થી વધારે સીસીટીવી ચેક કરી સફળતા મેળવી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસ્પષ્ટ બાઈક નંબરથી શરૂ થયેલી તપાસ રાજસ્થાન સુધી પોલીસને લઈ ગઈ
  • આ બાળકનું બે મહિના પહેલાં પણ અપહરણ થયું હતું

આજથી બે મહિના અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ થયા બાદ ગત તા. 05મી જુનના રોજ પણ ફરીવાર એજ બે માસ આઠ દિવસના બાળકનાં અપહરણનો ગુનો ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા ઉકેલી દઇને રાજસ્થાનના બાસ વાડાના તોરણા ગામેથી નિઃસંતાન દંપતીની ધરપકડ કરીને બાળકનો હેમખેમ છુટકારો કરાવી તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. ત્યારે અડાલજ વિસ્તારની એક સોસાયટીનાં સીસીટીવી ફુટેજમાં જોવા મળેલા અદ્રશ્ય બાઈક નંબરથી શરૂ થયેલી તપાસ રાજસ્થાન સુધી પહોંચી હતી અને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા હાંસલ થઈ છે.

આશરે બે મહિના અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલ બાળકનું ફરીવાર અપહરણ થયાંનો ગુનો અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ બાળક તથા અપહરણ કરનાર આરોપીઓને શોધી કાઢવા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તેમજ એલસીબી, એસઓજીના પોલીસ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી અલગ-અલગ ટીમો રચના કરવામાં આવી હતી

ગુનો ડીટેક્ટ કરવો ગાંધીનગર પોલીસ માટે પડકારરૂપ બની ગયો હતો

અપહરણના ગુનામાં નજરે જોનાર કે બનાવની નજીકના વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા પણ ન હોય તેમજ અપહરણ કરનાર સ્ત્રી છે કે પુરૂષ તેમજ તેઓ કોઇ વાહનમાં અપહરણ કરી લઇ ગયા છે કે કેમ તે અંગે પણ કોઇ માહીતી ન હોવાથી ગુનો ડીટેક્ટ કરવો ગાંધીનગર પોલીસ માટે પડકારરૂપ બની ગયો હતો. જેનાં પગલે એલસીબી- 1ના ઇન્સ્પેકટર જે.જી.વાઘેલા, એલસીબી-2 ઇન્સ્પેકટર એચ.પી.ઝાલા, એસઓજી. ઇન્સ્પેકટર ડી.બી.વાળા તેમજ અડાલજ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એચ.સિધવ દ્વારા પોતાના સ્ટાફના પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોની જુદી-જુદી ટીમો બનાવી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

શરૂકરી

પોલીસે અલગ અલગ ટીમોને સી.સી.ટી.વી. ફુટેજની ચકાસણી, ટેકનીક્લ સર્વેલન્સ, ખાનગી બાતમીદારોથી માહિતી મેળવવા જેવી અલગ-અલગ કામગીરી સોંપી દેવામાં આવી હતી. આ ટીમો દ્વારા સતત ચાર દિવસ સુધી દિવસ-રાત અડાલજ વિસ્તાર, હાઇ-વે ઉપર આવતા ટોલટેક્ષ, ઉવારસદ, સરગાસણ અને ગાંધીનગર ટાઉન વિસ્તાર, આસપાસના ગામો તથા હાઇ-વે રોડ ઉપરના આશરે 200 જેટલા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી દેવામાં આવ્યા હતા પણ ફળદાયી હકીકત સામે આવી રહી ન હતી.

સીસીટીવીમાં બાઇક દેખાયું

આ દરમિયાન ઇન્સ્પેકટર એચ.પી.ઝાલા તેમની ટીમના એએસઆઇ હરદેવસિંહ દલપતસિંહ, કેવલસિંહ અનોપસિંહ સહિતના સ્ટાફ સાથે ગુનાવાળી જગ્યાથી થોડેક દુર આવેલી એક રેસીડેન્ટ વિસ્તારની સોસાયટીના સી.સી.ટી.વી. ચેક કરતા હતા. જેમાં એક શંકાસ્પદ રીતે મોટર સાયકલ આગળ જઇ યુ-ટર્ન લઇ પરત આવતાં નજરે ચડી જાય છે. પરંતુ જે તે સમયે મોટર સાયકલ નંબર સ્પષ્ટ જણાઇ આવ્યો ન હતો. જેથી તે અસ્પષ્ટ મોટર સાયકલ નંબર, કંપની તથા તેના ચાલકના બાંધા આધારે અલગ-અલગ મોટર સાયકલના નંબર ટ્રેસ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

બે મહિના પહેલા પોલીસે બાળકનું તેની માતા સાથેે મિલન કરાવ્યું હતું
બે મહિના પહેલા પોલીસે બાળકનું તેની માતા સાથેે મિલન કરાવ્યું હતું

શંકાસ્પદ બાઇક સેક્ટર-21 ખાતેનાં કેમેરામાં પણ દેખાયું

અલગ અલગ વિસ્તારના સીસીટીવી. ચેક કરતાં તપાસનો દોર અડાલજથી શરૂ કરી ગાંધીનગરના સીસીટીવી કેમેરા સુધી લંબાયો હતો. ત્યારે જઈને શંકાસ્પદ મોટર સાયકલ ગાંધીનગર સેક્ટર-21 ખાતેનાં કેમેરામાં દેખાયું હતું. જેમાં બાઈકની ડેકી ઉપર એક કપડામાં વીટાળેલું બાળક જેવુ દેખાતા પોલીસની શંકા પ્રબળ થઈ ગઈ હતી. જેથી અત્રેના વધુ સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતાં બાઈકની પાછળની સીટમાં એક સ્ત્રી બેસી હોવાનું પણ ચિત્ર સ્પષ્ટ થયું હતું અને તે મોટર સાયકલ ચિલોડા તરફ જતું દેખાયેલું પણ આ વખતે પણ મોટર સાયકલ નંબર અસ્પષ્ટ કેમેરામાં દેખાતો હતો.

પોલીસ બાઇકના મુળ માલિક સુધી પહોંચી

ત્યારબાદ પોલીસની ટીમોએ ચિલોડા, દહેગામ, મોડાસા, મેઘરજ થઇ ગુજરાતની બોર્ડર સુધીના સીસીટીવી. ચેક કરતાં શંકાસ્પદ મોટર સાયકલ રાજસ્થાનના બાંસવાડા તરફ જતુ હોવાનું કેમેરામાં કેદ થયું હતું. જેનાં પગલે પોલીસે અસ્પષ્ટ મોટર સાયકલ નંબરની સામ્યતા ધરાવતા (નંબર GJ-27-AR-1658)ના માલીકની તપાસ કરવા બે ટીમને દાણીલીમડા તથા સિધ્ધપુર રવાના કરી હતી. ત્યારે ઉક્ત નંબરનાં મોટર સાયકલ માલીક મળી આવ્યો હતો જેની પૂછતાંછમાં તેણે મોટર સાયકલ તેણે બાંસવાડા રાજસ્થાનના રહેવાસી દિનેશ નામના શખ્સને આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

બાઇક રાજસ્થાન બાંસવાડા તરફ ગયું હોવાનું સ્પષ્ટ થયું

આખરે 500 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કર્યા પછી શંકાસ્પદ મોટર સાયકલ પણ રાજસ્થાન બાંસવાડા તરફ હોવાનું સ્પષ્ટ થતાં એલસીબી, એસઓજી અને અડાલજ પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી અપહરણકર્તાની તપાસ કરવા માટે રાજસ્થાન ખાતે રવાના કરવામાં આવી હતી. આ વિસ્તાર છુટા છવાયા અને અંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર હોવાથી આ ટીમોએ ખાનગી રાહે રાત્રીના સમયે પુછપરછ કરી આરોપીના રહેઠાણ અંગે માહિતી મેળવી ખાત્રી કરતા તોરણા ગામમાં બાળક હોવાની હકીકત બહાર આવી હતી. જેથી તોરણા ગામમા રાત્રીના સમયે પહેલા રેકી કરીને વહેલી સવારે ઓપરેશન હાથ ધરી ખેતરમા બનાવેલ ઝુપડામા રેઇડ કરવામાં આવી હતી. જ્યાં બાળક સાથે એક મહિલા મળી આવતા યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરી તેના પતિ પતિને પણ ઉપર બોલાવી પકડી લઈ બાળક નો હેમખેમ છુટકારો કરાવવામાં આવ્યો હતો.

આ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર એચ. પી. ઝાલાએ જણાવ્યું હતું કે, બે માસ આઠ દિવસના દિપકનું અપહરણ કરનાર દિનેશ પ્રેમજી કટારા તથા તેની પત્ની સુઘના કટારા( રહે. તોરણા, તા.ભીમપુર જી.બાંસવાડા રાજસ્થાન)ને પકડી લઈ બાળકને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યું છે. દંપતીને સંતાન ન હોવાથી સંતાનની ઇચ્છામાં પતિ-પત્નિએ સાથે મળી આ બાળકનુ અપહરણ કરી કર્યું હતું.

ઘણા બાળકોના અપહરણ કરવામાં આરોપીઓને નિશ્ફળતા મળી

બન્નેની પુછપરછ કરતાં તેઓએ આ બાળકનુ અપહરણ કરેલુ તે પહેલા ગાંધીનગર પથિકાશ્રમ ડેપો નજીક એક ઝુપડપટ્ટી વિસ્તારમાં એક બાળકનુ અપહરણ કરવા રેકી કરતા હતા. પરંતુ તે બાળકની માતા બાળકને સતત તેની સાથે રાખતી હોવાથી બાળકનુ અપહરણ કરી શક્યાં ન હતાં. ત્યારબાદ ગાંધીનગર સેક્ટર-22, પંચદેવ મંદિર નજીક પણ એક બાળકને અપહરણ કરવા રેકી કરેલી પરંતુ તે વખતે પણ આસપાસ ઘણા લોકો હોવાથી સફળ થયા ન હતા.

આ ઉપરાંત અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પણ એક બાળકનુ અપહરણ કરવા રેકી કરી હતી પરંતુ તેમાં પણ તેઓ સફળ નહીં થતાં આખરે ઉપરોક્ત ગરીબ પરિવારના બાળકનું અપહરણ કરી રાજસ્થાન ભાગી ગયા હતા.

નોંધનીય બાબત છે કે, આ બાળકનો જન્મ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થયેલ તે દરમિયાન પણ આરોપી અસ્મિતાબેન ડાહ્યાભાઇ ભારથી તથા જીગ્નેશ જગદીશભાઇ ભારથી (રહે. કડી જી.મહેસાણા) પાસેથી આ બાળક મેળવવામા ક્રાઇમ બ્રાંચને સફલતા હાંસલ થઈ હતી. જોકે, હાલના અપહરણ તેમજ ભૂતકાળ ઘટેલી અપહરણની ઘટનાને કોઈ લેવા દેવા ન હોવાનું કહી બાળકના નસીબ કાઠા હોવાનું વધુમાં ઈન્સ્પેક્ટર ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...