રેતીચોરીનું સુવ્યવસ્થિત નેટવર્ક:ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપ, ડમ્પર પર ખાસ લખાણનો ઉપયોગ કરી કૌભાંડ કરાય છે

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • ખાણ-ખનીજ વિભાગના ડ્રાઇવર અને ખનીજ-માફિયાની વાતચીતની કથિત ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ

ગાંધીનગર સહિતનાં શહેરોમાં રેતીની ગેરકાયદે હેરાફેરી થતી હોવાનો કથિત ઓડિયો વાઈરલ થતાં ખળભળાટ મચ્યો છે. રેતીના વહન સાથે સંકળાયેલા એક શખસે પણ ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રોયલ્ટી ચોરી માટે 'કાઠિયાવાડી કોયલ' કોડવર્ડનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે, એટલે કે જે ડમ્પરમાં 'કાઠિયાવાડી કોયલ' લખેલું સ્ટિકર લાગેલું હોય એ ડમ્પરને કોઈ અધિકારી રોકતા ન હોવાનો આક્ષેપ કરાયો છે. ગાંધીનગરના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ કહ્યું હતું કે આ આક્ષેપોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

ખાણ-ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપ કરનાર યોમેશ ગજ્જર.
ખાણ-ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપ કરનાર યોમેશ ગજ્જર.

બનાસ અને કંબોઈમાંથી થાય છે રેતીચોરી
ગાંધીનગર સહિતનાં શહેરોમાં ગેરકાયદે રેતી ભરેલી ટ્રકોની બેરોકટોક હેરફેરનું સુવ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાની વિગતો સામે આવી છે. બનાસ નદી અને કંબોઈમાંથી ગેરકાયદે રેત ખનન કરીને ટ્રકોમાં ભરીને ગાંધીનગર, મહેસાણા, કલોલ અને અમદાવાદ પહોંચતી કરવામાં આવી રહી છે.

'કાઠિયાવાડી કોયલ'ના સ્ટિકરનો ઉપયોગ કરી સુવ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાનો આક્ષેપ
રાજ્યભરમાં ખનીજ-માફિયાઓ નદીઓમાંથી ગેરકાયદે રેત ખનન કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા હોવાની વાત જગજાહેર છે. તેમ છતાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થતાં વિભાગની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.

ગંભીર આક્ષેપો રેતી વહન સાથે સંકળાયેલા એક શખસે કર્યા
નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ખનીજ-માફિયાઓ ઉલેચીને તગડી કમાણી કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સહિતનાં શહેરોમાં ગેરકાયદે રેતીની ટ્રકોને વિના બેરોકટોક પસાર કરવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે, જેની પાછળ ગાંધીનગર ખાણ-ખનિજ તંત્રના કરાર આધારિત રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા હોવાના ગંભીર આક્ષેપો રેતી વહન સાથે સંકળાયેલા એક શખસ દ્વારા કરવામાં આવ્યો છે.

જે ડમ્પર પર કોડવર્ડવાળું સ્ટિકર હોય એ ગાડીને કોઈ રોક્તું નથી- યોમેશ ગજ્જર
રેતીના વહન સાથે જ સંકળાયેલા યોમેશ ગજ્જર નામના શખસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે બનાસ નદી અને કંબોઈમાંથી કરોડો રૂપિયાની રેતી ખનન કરીને ગાંધીનગર, મહેસાણા, કલોલ અને પાટણ સીધી પહોંચતી કરવા માટે "કાઠિયાવાડ કોયલ" કોડવર્ડવાળા સ્ટિકર રેતીની ટ્રકો પર મારી દેવામાં આવે છે, જેને કારણે અડધી રાત્રે ગેરકાયદે રેતી ભરેલી ટ્રકોને વિના બેરોકટોક જે-તે સ્થળે આસાનીથી પહોંચતી કરી દેવાય છે. ટ્રક પર "કાઠિયાવાડી કોયલ" કોડવર્ડ લગાવેલું સ્ટિકર જોઈને ખાણ-ખનિજ વિભાગના સંબંધિત કર્મચારીઓ પણ એને રોકવાની હિંમત કરતા નથી.

કથિત ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થઈ
તેણે વધુમાં ઉમેર્યું હતું કે સામાન્ય રીતે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગો બાંધવા માટે પાર્કિંગની વ્યવસ્થા (ભોંયરું) કરવા માટે ખાણ-ખનિજ વિભાગમાંથી રોયલ્ટી પરવાનગી મેળવવાની રહેતી હોય છે, પરંતુ ખાણ-ખનિજ તંત્રની આંખમાં ધૂળ નાખીને બારોબાર રેત ખનન કરી સરકારને કરોડોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે, જેને માટે કરાર આધારિત રોયલ્ટી ઇન્સ્પેકટર પંડ્યા અને તેમનો ડ્રાઈવર મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. એ મતલબની કથિત ઓડિયો-ક્લિપ પણ વાઈરલ થઈ છે, જેમાં ગેરકાયદે રેતી ચોરવા મામલે 10ના બંડલની ખાસ વ્યવસ્થા કરવાની પણ સૂચના ખનીજ-માફિયાને આપવામાં આવે છે.

'કાઠિયાવાડી કોયલ'વાળી ગાડીઓ મામલે થયેલા આક્ષેપો ખોટા છે: કૌશલ પંડ્યા
આ અંગે GMRDS સંસ્થાના કરાર આધારિત રોયલ્ટી ઇન્સ્પેકટર કૌશલ પંડયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કાઠિયાવાડી કોયલવાળી ગાડીઓ મામલે થયેલા આક્ષેપો ખોટા છે. પાટણની ગાડીઓ સામે મેં સૌથી વધુ કાર્યવાહી કરી છે. તમે મારી ઓફિસ કલેક્ટર ઓફિસ આવો... હું બધું બતાવીશ. વધુમાં તેમણે કહ્યું હતું કે કલોલ છત્રાલ ચાલતી સાઈટો મામલે થયેલા આક્ષેપો પણ પાયાવિહોણા છે.

ખનીજ-માફિયાઓ પાસેથી ઉઘરાણાંની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું- અલખ પ્રેમલાણી, ભૂસ્તરશાસ્ત્રી
આ અંગે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અલખ પ્રેમલાણીએ જણાવ્યું હતું કે હજી સુધી ફરિયાદ મળી નથી. વિભાગ દ્વારા રેગ્યુલર ચેકિંગ કરવામાં આવતું હોય છે. ભોંયરા કે અન્ય ખોદકામ માટેની મંજૂરી માટેની અરજીઓ આવતી હોય છે, જેના આધાર પુરાવા ચકાસીને પરમિશન આપવામાં આવતી રહે છે. ભૂમાફિયાઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...