કર્મચારીઓમાં ચર્ચા:જિલ્લા પંચાયતના નવા મકાનના મુદ્દાનો સામાન્ય સભાના એજન્ડામાં ઉલ્લેખ નહીં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડિંગમાં જીવના જોખમે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે

જિલ્લા પંચાયતનું વર્તમાન બિલ્ડીંગ જર્જરીત હોવાથી બેસવા લાયક નથી તેવો રિપોર્ટ આવ્યો છે. તેમ છતાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ જાન હથેળીમાં લઇને ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જર્જરીત મકાન માટે નવી જગ્યા માંગવા સહિતના કોઇ જ મુદ્દાનો સમાવેશ નહી કરાતા જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ચર્ચા ઉઠવા પામી છે.

પાટનગર ગાંધીનગરની જિલ્લા પંચાયત માટે પોતાનું બિલ્ડીંગ જ ઉપલબ્ધ જ નથી. જોકે હાલમાં સેક્ટર-17 ખાતેના બિલ્ડીંગમાં જિલ્લા પંચાયત કાર્યરત છે તે મૂળ ગાંધીનગર તાલુકા પંચાયતનું બિલ્ડીંગ છે. ઉપરાંત બિલ્ડીંગ પાંચેક દાયકા જૂનું થયું હોવાથી બિલ્ડીંગ બેસવા લાયક છે કે નહી તે માટે જિલ્લા પંચાયત દ્વારા ટેકનિકલ રીતે તપાસ કરાવવામાં આવી હતી.

જેમાં પ્રાથમિક ચકાસણી કર્યા બાદ બિલ્ડીંગના અલગ અલગ જગ્યાઓથી બાંધકામનું સેમ્પલ લઇને તેની લેબોરેટરી ચકાસણી પણ કરવામાં આવી હતી. જેમાં બિલ્ડીંગ જર્જરીત ઉપરાંત બેસવા લાયક પણ યોગ્ય નહી હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં હાલમાં અલગ અલગ 21 જેટલા વિભાગો કાર્યરત છે.

જેમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત અંદાજે 400 જેટલા કર્મચારીઓ થાય છે. અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ જાન હથેળીમાં લઇને પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે બિલ્ડીંગની આવી સ્થિતિ હોવા છતાં તેના માટે નવી જમીનની માંગણી કરવા તેમજ જિલ્લા પંચાયતના બિલ્ડીંગ માટે શું આયોજન કરવું તે અંગેનો કોઇ જ મુદ્દાનો સમાવેશ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જોકે જિલ્લા પંચાયતના પ્રમુખ સ્થાનેથી પણ મુદ્રો રજુ થાય તેવી એકમાત્ર આશા રહી છે. કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા પંચાયતમાં એક જ રાજકીય પક્ષનું શાસન હોવા છતાં રાજ્યના પાટનગરની જિલ્લા પંચાયત કચેરીને જર્જરીત બિલ્ડીંગમાં ચલાવવાની ફરજ પડી હોવાની ચર્ચા જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં જોવા મળે છે. જર્જરિત મકાનને પગલે કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...