7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે કથિત લઠ્ઠાકાંડ ને કારણે બનેલી ઘટનામાં પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની રાહ જોવાઈ રહી છે. રેન્જ આઈજી થી લઈને ડીજીપી અને ગૃહ રાજ્ય મંત્રી પણ સતત આ ઘટનામાં સત્ય શું છે તે જાણવા સતત પ્રયત્નશીલ બની ગયા છે.
બોટાદ જીલ્લાના પ્રભારી મંત્રી વિનુ મોરડિયા દ્વારા પણ સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસ વડા, જીલ્લા કલેક્ટર તેમજ રેન્જ આઈજી સાથે ઘટના સંદર્ભે પરામર્શ કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. દિવ્ય ભાસ્કર દ્વારા બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી. શું કહ્યું અને કેવી રીતે આખીયે આ ઘટનાને પ્રભારી મંત્રીએ વખોડી, શબ્દશ: તેમના જ શબ્દોમાં સાંભળો.
ભાસ્કરઃ સત્તાવાર કેટલા મોત ? કેટલા સારવાર હેઠળ ? કેટલા લોકોની ધરપકડ?
પ્રભારી મંત્રીઃ મને જાણકારી મળી છે તે પ્રમાણે 8ના મોત થયા છે અને 18 લોકો સારવાર માટે ખસેડાયા છે. ધરપકડ માટે પોલીસની ટીમ કામે લાગી છે. ગૃહ મંત્રી સાથે ટેલિફોનિક વાત કરી છે. તપાસ ગૃહ વિભાગ દ્વારા ચાલી રહી છે. જે કાર્યવાહી થઈ રહી છે તે હવે ખ્યાલ આવશે.
ભાસ્કરઃ ઘટના કેવી રીતે બની ? ઘટના પાછળ જવાબદાર કોણ?
પ્રભારી મંત્રીઃ જવાબદારી તો હવે નક્કી થશે કે કોણ અને કોની જવાબદારી છે. આખી ઘટના બરવાળાના રોજીદ, અણિયારી,ચોકડી જેવા ત્રણથી ચાર ગામોમાં આ ઘટના બની છે. વધારે વિગત નથી પરંતુ પ્રાથમિક વિગતો મળી છે. મેં ગૃહ મંત્રી સાથે વાત કરી છે, તપાસ ચાલુ છે, વિભાગ તપાસ કરે છે.
ભાસ્કરઃ દારૂબંધી ધરાવતા રાજ્યમાં બનેલી આ ઘટના કેટલી શરમજનક?
પ્રભારી મંત્રીઃ બહુ દુઃખદ બાબત ગણાય કેમ કે જે પ્રકારે સરકાર પ્રયાસ કરી રહી છે કે કોઈ પણ જાતના કેફી પદાર્થો કે દારૂ રાજ્યમાં પ્રવેશે નહિ. ક્યાંય પણ ચલાવી લેવાય એવી આ વસ્તુ નથી.
ભાસ્કરઃ સરપંચે દારૂબંધી અમલ કરાવવા સરપંચે રજૂઆત પણ કરી હતી, પોલીસની નિષ્કાળજી કેટલી જવાબદાર?
પ્રભારી મંત્રીઃ મેં જાણ્યું છે એ પ્રમાણે જો સરપંચે ફરિયાદ કરી હોય તો સ્થાનિક પોલીસ જવાબદાર ગણાય. જે લોકો આ તપાસમાં પકડાય, સાબિત થાય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને ગૃહ વિભાગ કાર્યવાહી કરશે.
ભાસ્કરઃ રજૂઆતને નજરઅંદાજ કરનારા સામે કેવી કાર્યવાહી થવી જોઈએ?
પ્રભારી મંત્રીઃ જે પ્રકારે રજૂઆત કરાઈ છે અને રજુઆતને ધ્યાને નથી લેવાઈ તેની સામે કાર્યવાહી થવી જોઈએ અને કાર્યવાહી થશે જ.
ભાસ્કરઃ પ્રભારી મંત્રી તરીકે દારૂના વેચાણ અંગે કેટલીક વખત ફરિયાદ આવી?
પ્રભારી મંત્રીઃ ના, મને કોઈ ફરિયાદ નથી મળી.
ભાસ્કરઃ પોલીસ વિભાગના ભ્રષ્ટાચારને કારણે આવી ઘટના કેમ વારંવાર બને છે?
પ્રભારી મંત્રીઃ આપની વાત સાચી છે કે ગમે એટલા કાયદા કડક બનાવીએ, થાણેદાર ની જવાબદારી ફિક્સ કરાય છે છતાં આ ઘટના બની છે તેને નકારી શકતા નથી પરંતુ જે ઘટના બની છે તે દુખદ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.